પટનાના ફુલવાપરી શરીફ વિસ્તારમાં એક આતંકીવાદી મોડ્યુલનો પર્દાફાશ થયો છે. તેમના નિશાના પર પ્રધાનમંત્રી મોદીનો બિહાર પ્રવાસ હતો. જેના પર તેઓ ૧૨ જુલાઈના રોજ પટના પહોંચ્યા હતા. હુમલા માટે પીએમ મુલાકાતના ૧૫ દિવસ પહેલા ફુલવારી શરીફમાં શંકાસ્પદ આતંકીઓની ટ્રેનિંગ પણ શરૂ થઈ હતી. ત્યાં દરોડા પાડી શંકાસ્પદોને પકડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે ૨ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા બંને કથિત આતંકવાદીઓમાંથી એક ઝારખંડ પોલીસના રિટાયર્ડ ઇન્સપેક્ટર મોહમ્મદ જલાલુદ્દીન અને બીજો અતહર પરવેઝ છે. અતહર પરવેઝ પટનાના ગાંધી મેદાનમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના આરોપી મંજરનો સગા ભાઈ છે. બંને શંકાસ્પદ આતંકવાદીઓના તાર પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા સાથે જોડાયેલા છે.
પોલીસે બંને પાસેથી પીએફઆઇનો ફ્લેગ, બુકલેટ, પેમ્ફલેટ અને ઘણા શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કર્યા છે. જેમાં ભારતને ૨૦૪૭ સુધી ઇસ્લામિક દેશ બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બંને શંકાસ્પદ આતંકવાદી છેલ્લા ઘણા સમયથી પટનાના ફુલવારી શરીફ વિસ્તારમાં આતંકની પાઠશાળા ચલાવી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર અતહર પરવેઝ માર્શલ આર્ટ અને શારીરિક શિક્ષા આપવાના નામ પર મોહમ્મદ જલાલુદ્દીનની એનજીઓ ચલાવી રહ્યો હતો. જાણકારી અનુસાર અતહરે ૧૬,૦૦૦ રૂપિયાના ભાડા પર મોહમ્મદ જલાલુદ્દીનના ફુલવારીશરીફના નવા ટોલા વિસ્તારના અહેમદ પેલેસમાં ફ્લેટ લીધો હતો જ્યાંથી તે દેશવિરોધી અભિયાન ચલાવી રહ્યા હતા. અતહર પરવેઝ અને મોહમ્મદ જલાલુદ્દીન બંને એનજીઓના નામ પર આતંકની ફેક્ટ્રી ચલાવી રહ્યા હતા અને તેમનો મુખ્ય ઉદેશ્ય હિન્દુઓ સામે મુસ્લિમોને ભડકાવવાનો હતો. મુસ્લિમ યુવાનોને આ બંને અસ્ત્ર-શસ્ત્રની ટ્રેનિંગ આપતા હતા અને પછી રાષ્ટ્રીય સ્તર, રાજ્ય સ્તર, જિલ્લા સ્તર પર પીએફઆઇ અને એસડીપીઆઇના સક્રિય સભ્યો સાથે બેઠકમાં કરવા માટે ઉપયોગ કરતા હતા. બંને શંકાસ્પદ આતંકી સિમીના જુના સભ્યો જે જેલમાં બંધ છે તેમના જામીન કરાવતા હતા અને તેમને આતંકી ટ્રેનિંગ પણ આપતા હતા. પોલીસે જણાવ્યું કે ૬ અને ૭ જુલાઈના અતહર પરવેઝે ભાડે લીધેલી ઓફિસમાં ઘણા યોવાનોને માર્શલ આર્ટ અને શારીરિક શિક્ષા આપવાના નામ પર બોલાવ્યા અને પછી તેમને અસ્ત્ર-શસ્ત્રની ટ્રેનિંગ તથા ધાર્મિક ઉન્માદ ફેલાવવા માટે ભડકાવ્યા હતા.
આઇબીને આ બાબતે જાણકારી મળી કે પટનાના ફુલવારી શરીફ વિસ્તારમાં એક સંભવિત આતંકી મોડ્યુલ સંચાલિત થઈ રહ્યું છે જે બાદ ૧૧ જુલાઈના નવા ટોલ વિસ્તારમાં પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ દરોડા પાડ્યા અને બંને શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી.