સંસદીય સમિતિએ સરકારને 1995ની ‘એમ્પ્લોયી પેન્શન સ્કીમ’ સમીક્ષા કરીને લઘુતમ પેન્શન વધારવા માંગણી કરી છે. હાલની સ્કીમ હેઠળ લઘુતમ માસિક પેન્શન રૂ. 1,000ની જોગવાઈ છે. પરંતુ વ્યક્તિની મૂળભૂત જરૂરિયાતોને ધ્યાનમાં રાખતાં આ રકમ ખૂબ જ ઓછી કહેવાય, તેથી કામદાર સંઘો લાંબા સમયથી લઘુતમ પેન્શન વધારીને દર મહિને રૂ. 3,000 રૂપિયા રાખવા માંગ કરી રહ્યા છે.
સંસદીય સમિતિએ 34માં અહેવાલમાં જણાવ્યું હતું કે તેઓ મક્કમપણે માને છે કે પેન્શન પેટે રૂ. 1,000ની રકમ વર્તમાન સંજોગોમાં ખૂબ જ ઓછી છે. સમિતિએ ભલામણ કરી છે કે સરકારે ‘રાઇટ ટુ સસ્ટેનન્સ ઓફ ધ પેન્શનર્સ’ના સંદર્ભમાં પેન્શન સ્કીમની સમીક્ષા કરવી જોઈએ. તેના તારણોના આધારે આ રકમની સમીક્ષા કરવી જોઈએ. ‘એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન’ (ઇપીએફઓ) 1995માં એમ્પ્લોયી પેન્શન સ્કીમનો પ્રારંભ થયો ત્યારથી રૂ. 1,000નું માસિક પેન્શન પૂરું પાડવાનો પ્રારંભ કર્યો છે. આ ઉપરાંત સમિતિએ સૂચવ્યું છે કે જે કંપનીઓના માલિકો ઇપીએફઓમાં સામાજિક સુરક્ષાના ફાયદા પૂરા પાડતા ન હોય તેના કામદારોને પણ ચુકવણી કરવા માટે નિર્ણય લેવાવો જોઈએ. આ સિવાય એમ્પ્લોયી સ્ટેટ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (ESIC)ને સ્થાયી એસેટ્સમાંથી કે તેની સત્તાવાળાઓ પાસે પડેલી કરોડો રૂપિયાની થાપણો પાસેથી પણ ચુકવણી કરવી જોઈએ. ઇપીએફઓને છેલ્લાં બે વર્ષમાં આવી બે હજારથી વધુ ફરિયાદો મળી છે, જેમાંથી નવસોથી વધુ ફરિયાદો પર કામ ચાલી રહ્યું છે.