ઓનલાઈનની સલામતી પ્રત્યે તેની કટીબદ્ધતાના ભાગરૂપે માઈક્રોસોફ્ટે સુરક્ષિત ઈન્ટરનેટ ડે (05 ફેબ્રુઆરી)ના રોજ 3જો ડિજિટલ શિષ્ટતા ભાવાંક (Digital Civility Index – ડિજિટલ સિવિલિટી ઈન્ડેક્સ) રજૂ કર્યો છે. આ ભાવાંક દર્શાવે છે કે ભારત સહિત સમગ્ર વિશ્વમાં લોકો ઓનલાઈન શિષ્ટતાનું સ્તર વધી રહ્યું હોવાનું અનુભવી રહ્યા છે. આ ભાવાંક માટે વિશ્વના 22 દેશોમાં હાથ ધરવામાં આવેલા સરવેમાં ભારત 7મા ક્રમે હતો. ઈન્ડિયા ઈન્ડેક્સ 59% હતો (વૈશ્વિક ઈન્ડેક્સ 66%), જે વાર્ષિક ધોરણે 2 પોઈન્ટનો ઉછાળો આવ્યો હોવાનું દર્શાવે છે અને દેશમાં ઓનલાઈન શિષ્ટતાનું સ્તર સુધર્યું હોવાના સંકેત આપે છે. નીચો ઈન્ડેક્સ ઓછો જોખમના અને દેશની વસતીમાં ઓનલાઈન શિષ્ટતાનું સ્તર ઊંચું હોવાના સંકેત આપે છે.
ડિજિટલ સિવિલિટી ઈન્ડેક્સ – ડીસીઆઈ 22 દેશોમાં કિશોરો (13થી 17 વર્ષ) અને પુખ્ત વયના (18થી 74 વર્ષ) લોકોના ઓનલાઈન વર્તન અને માહિતીના આદાન-પ્રદાનના સંદર્ભમાં મે 2018 સુધીમાં પૂરા થયેલા સરવે પર આધારિત છે. આ સરવેમાં કેટલાક પ્રશ્નો પૂછાયા હતા, જેમ કે – તમે અને તમારી નજીકના લોકોએ કેવા પ્રકારનું ઓનલાઈન જોખમ અનુભવ્યું છે, તમે ક્યારે અને કેટલી વખત જોખમનો સામનો કર્યો અને તેના પરિણામ શું હતા અને કેવા પગલાં લેવાયા ? આ પ્રશ્નોના જવાબના આધારે તેમાં ભાગ લેનારાઓએ તેમના જીવનમાં વર્તન, પ્રતિષ્ઠાત્મક, જાતીય અને વ્યક્તિગત/ ઘૂસણખોરી જેવા ચાર ક્ષેત્રોમાં 21 ઓનલાઈન જોખમનો સામનો કર્યો હોવાનું જણાયું હતું.
આ સરવે આર્જેન્ટિના, બેલ્જિયમ, બ્રાઝિલ, કેનેડા, ચીલી, કોલમ્બિયા, ફ્રાન્સ, જર્મની, હંગેરી, ભારત, આયર્લેન્ડ, ઈટાલી, મલેશિયા, મેક્સિકો, પેરુ, રશિયા, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઈટેડ કિંગ્ડમ, યુનાઈટેડ સ્ટેટ્સ અને વિયેતનામ સહિતના 22 દેશોમાં હાથ ધરાયો હતો. માઈક્રોસોફ્ટને આશા છે કે નીતિ ઘડનારાઓ, કંપનીઓ અને ગ્રાહકો સલામત, વધુ આદરપૂર્ણ ઈન્ટરનેટની જરૂરિયાતને ધ્યાનમાં લેશે અને વૈશ્વિક ડિવાઈસ માટે ‘ડિજિટલ શિષ્ટતા’ની તરફેણ કરશે.
આ સરવે દર્શાવે છે કે અનિચ્છનીય સંપર્ક હજી પણ સમગ્ર વિશ્વમાં અને દરેક વસતી માટે મોટું જોખમ બની રહ્યું છે. જોકે, સમગ્ર વિશ્વમાં કિશોરો ઓનલાઈન જોખમો સામે વધુ પ્રમાણમાં તેમના માતા-પિતા અને અન્ય વિશ્વસનીય વયસ્કોની મદદ તરફ નજર દોડાવી રહ્યા છે.
આ અહેવાલ ભારત માટે કેટલીક બાબતો પર પ્રકાશ પાડે છે, જે નીચે મુજબ છે.:
- વૈશ્વિક સરેરાશની સરખામણીમાં ભારત માટે જોખમોના પ્રકાર : 1) કોઈના દ્વારા વાંધાજનક અથવા અશ્લીલ સામગ્રી મોકલવી, 2) ફેક ન્યૂઝ મળવા અને 3) ઈન્ટરનેટ પર છેતરપિંડીનો સામનો કરવો.
- ઓનલાઈન જોખમો હજારો લોકો પર ગંભીર અસર કરે છે.
- જોખમો અને તેના પરિણામોના સંદર્ભમાં યુવાનો અને કિશોરો પર ઓનલાઈન જોખમની ગંભીર અસર પડે છે.
- માતા-પિતા (+35 પોઈન્ટ્સથી 45%) અને પુખ્ત વયના અન્ય લોકો (+18 પોઈન્ટ્સથી 26%) પાસેથી મદદ મેળવવામાં કિશોરોની ટકાવારી વૈશ્વિક સરેરાશ જેટલી છે.
- ઓનલાઈન પર બિભત્સ વર્તણૂક કરનારાઓમાંથી 29% પરિવારના સભ્ય અથવા મિત્રો હતા.
- સરવેમાં ભાગ લેનારાઓએ જણાવ્યું કે ઓનલાઈન પર નકારાત્મક માહિતીના આદાન-પ્રદાનના પરીણામે ‘અન્યોમાં વિશ્વાસ ગુમાવવો, ઓન અને ઓફલાઈન તણાવ તથા અનિંદ્રા’માં વધારો થયો છે.
- ભારતીયો ફેક ન્યૂઝ અને ઈન્ટરનેટ છેતરપિંડીનો સૌથી વધુ સામનો કર્યો હોવાની સંભાવના વધુ છે અને આ સંદર્ભમાં વૈશ્વિક સરેરાશ કરતાં તેનું પ્રમાણ 7 પોઈન્ટ વધુ છે.
ડિજિટલ સિવિલિટી ચેલેન્જ
માઈક્રોસોફ્ટ લોકોને ડિજિટલ સિવિલિટી ચેલેન્જ (Digital Civility Challenge) માટે પણ પડકારે છે અને આખું વર્ષ લોકોને સકારાત્મક ઓનલાઈન ટેવ અપનાવવા વિનંતી કરે છે. આ ચેલેન્જનો આશય સલામત, સમાવેશક ઓનલાઈન ઈન્ટરેક્શનને ઉત્તેજન આપવા અને લોકોને અન્યો માટે રોલ મોડેલ અને/અથવા ચેમ્પિયન તરીકે સેવા આપવા અને તેમના ઓનલાઈન વ્યવહાર માટે જવાબદાર બનવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ડિજિટલ શિષ્ટતાના કાર્યોમાં સમાવેશ થાય છે.:
- સુવર્ણ નિયમ સાથે જીવો :ઓનલાઈન પર પ્રત્યેક વ્યક્તિ સાથેના સંપર્કમાં આવતા સહાનુભૂતિ, કરુણા અને સદ્ભાવના દર્શાવો અને દરેક સાથે સૌજન્યપૂર્ણ અને આદરપૂર્ણ વર્તન કરો.
- મતભેદોનો આદર કરો :વિવિધ દૃષ્ટિકોણનું સન્માન કરો અને કોઈ મુદ્દા પર અસંમતિ ઊભી થાય તો વિચારપૂર્વક જોડાઓ અને કોઈનું નામ લેવાનું અને વ્યક્તિગત હુમલા કરવાનું ટાળો.
- જવાબ આપતા પહેલાં થોભો :કોઈ મુદ્દા પર અસંમતિ ઊભી થાય તો થોડુંક વિચારો અને પછી જવાબ આપો, કોઈની લાગણીને ઠેસ પહોંચે, કોઈની પ્રતિષ્ઠા જોખમાય અથવા કોઈની સલામતી જોખમાય તેવી કોઈ પોસ્ટ ન કરો અથવા કોઈ સામગ્રી ન મોકલો.
- પોતાના અને અન્યોના ટેકામાં ઊભા થાવ :ઓનલાઈન દુર્વ્યવહાર અથવા ક્રૂરતાનો ભોગ બનનારા ટેકામાં ઊભા રહો, જોખમી પ્રવૃત્તિઓની જાણ કરો અને અયોગ્ય અથવા બીનસલામત વર્તણૂકનો પુરાવો જાળવી રાખો.