અમદાવાદ, ગુજરાત મેટ્રો રેલવ કોર્પોરેશને પેસેન્જર્સની જરૂરિયાતને ધ્યાનમાં લેતા મેટ્રો ટ્રેનના ટાઇમ ટેબલમાં કેટલાક ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં જે મેટ્રો ટ્રેન સાંજે ૫-૦૦ વાગ્યા સુધી દોડતી હતી, તે હવે નવા ટાઇમ અનુસાર સાંજે ૬-૩૦ સુધી દોડશે. જેના કારણે મેટ્રો ટ્રેનના મુસાફરોને થોડી વધુ રાહત મળશે. મેટ્રોનું એપરેલ પાર્ક અને વસ્ત્રાલ ગામ એમ બે વિભાગમાં સંચાલન કરવામાં આવશે. જેમા પહેલા વિભાગમાં મેટ્રો વસ્ત્રાલ ગામથી સવારે ૯-૦૦ વાગે ઉપડશે અને ૯-૦૫ વાગે નિરાંત ચોકડી પહોચશે અને નિરાંત ચોકડીથી ૯-૧૫ વાગે અમરાઈવાડી પહોચશે.
વસ્ત્રાલ ગામથી અમરાઈવાડીનું અંતર ૧૫ મિનિટનું રહેશે. વસ્ત્રાલ ગામ જતી મેટ્રો દિવસભરમાં કુલ ૧૧ ફેરા મારશે. જ્યારે બીજા વિભાગમાં મેટ્રો એપરેલ પાર્કથી સવારે ૯-૨૫ વાગે રવાના થશે અને ૯-૩૦ વાગે અમરાઈવાડી પહોંચશે અને અમરાઈવાડીથી રવાના થઇ ૯-૪૧ વાગે નિરાંત ક્રોસ રોડ પહોચશે. એપરેલ પાર્ક જતી મેટ્રો દિવસભરમાં કુલ ૧૨ ચક્કર મારશે. ઉલ્લેખનીય છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.૪ માર્ચે મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હતું. તા.૬ઠ્ઠી માર્ચથી ૧૪ માર્ચ સુધી ટ્રેનમાં લોકોને મફત મુસાફરી કરાવવામાં આવી હતી અને તા. ૧૫ માર્ચથી ટ્રેનનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે.
હાલ વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધીના ૬.૫ કિલોમીટર રૂટ માટે મેટ્રોનું ભાડું ૧૦ રૂપિયા રાખવામાં આવ્યું છે. આગામી દિવસોમાં મેટ્રો ટ્રેનને લઇ મુસાફરોને મહત્તમ સુવિધા મળે તે પ્રકારનું આયોજન પણ સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો બીજીબાજુ, શહેરના અન્ય વિસ્તારમાં પડતર મેટ્રો ટ્રેનનું કામકાજ શકય એટલું ઝડપથી પૂર્ણ કરવા માટેના પ્રયાસો પણ હાથ ધરાઇ રહ્યા છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સેવા વિસ્તૃત કરવાના કામો જારી છે.