અમદાવાદ: કોરિયાથી આવેલા મેટ્રો રેલના કોચને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર જનતાના નિરીક્ષણ અને માહિતી માટે ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ કોચ કોરિયાથી મોડેલ તરીકે આવ્યો છે, જે મેટ્રો ટ્રેનની સુવિધા કેવી હશે તેનો ખ્યાલ નાગરિકોને આપશે. આ મોકઅપ કોચ શહેરીજનો સવારે ૯ થી રાત્રિના ૯ વાગ્યા સુધી જોઇ શકશે. જાન્યુઆરી ૨૦૧૯ના પ્રથમ પખવાડિયામાં અમદાવાદ મેટ્રો રેલની વસ્ત્રાલથી એપેરલ પાર્ક ના ૬.૫૦ કી.મીના રૂટ પર ટ્રાયલ રન કરાશે. માત્ર એટલું જ નહીં, વર્ષ ૨૦૨૦ સુધીમાં અમદાવાદમાં સંપૂર્ણ મેટ્રો ટ્રેન ચાલતી થઇ જશે એવી આશા પણ તેમણે વ્યકત કરી હતી. મુખ્યમંત્રીએ મૂકબધિર બાળકો સાથે કોચનું નિરીક્ષણ કરી સંવેદનશીલતાનો સહજ પરિચય આપ્યો હતો.
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતુ કે, સુરત મેટ્રો માટે પણ સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને ત્યાં પણ ગ્રાઉન્ડ વર્ક શરૂ કરીને ઝડપભેર કામ ઉપાડી સુરતને પણ મેટ્રો સુવિધાથી સાંકળી લેવાશે. ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ અંતર્ગત તમામ એલિવેટેડ કસ્ટેશનોની લંબાઇ ૧૪૦ મીટરની રાખવામાં આવેલ છે, જયારે અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનોની લંબાઇ ૨૨૦ મીટર કરતાં પણ વધારે રાખવામાં આવેલ છે. અમદાવાદ મેટ્રો રેલ હાલ દુનિયાની સૌથી અદ્યતન મેટ્રો ટેકનોલોજી આધારિત જીઓએ-૩ (ગ્રેડ ઓફ ઓટોમેશન) ટ્રેન છે. આ ટ્રેનની વિશેષતા એ છે કે દરેક લાઇનમાં ટ્રેન કન્ટ્રોલ રૂમથી ઓપરેટ અને કન્ટ્રોલ થાય છે.
ડ્રાયવરની સીટ ઉપર એક ડ્રાયવર રાખવામાં આવે છે. જયારે પણ કોઇ ટેકનીકલ વિક્ષેપ યા ક્ષતિ ઉભી થાય તો ટ્રેનનું સંચાલન ડ્રાઇવર કરી શકે છે. ટ્રેનને ચલાવવા માટે તેમજ તેને મેન્ટેઇન કરવા માટે મેગા કંપની દ્વારા ૬૦૬ જેટલા ટ્રેઇની એન્જીનીયર્સની પસંદગી કરવામાં આવેલ છે. આ ઉમેદવારો પૈકી ૧૧૬ ઉમેદવારોને જરૂરી તાલીમ માટે મેટ્રો રેલ કોર્પોરેશનમાં મોકલવામાં આવેલ છે. તાલીમ પામેલા એન્જીનીયરો સ્ટેશન કન્ટ્રોલર અને ટ્રેન ઓપરેટીંગની કામગીરીમાં ઉપયોગી થશે. અમદાવાદમાં ડિસેમ્બર-૨૦૧૮ સુધીમાં ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી મેટ્રો ટ્રેનનું સંચાલન શરૂ કરવાની કવાયત વેગવંતી બની ગઇ છે. મેટ્રો રેલના એક કોચમાં ૩૦૦ લોકો પ્રવાસ કરી શકશે.
એક કોચની લંબાઈ ૧૬ મીટર, પહોળાઈ ૪ મીટર, ઊંચાઈ ૪ મીટર અને મહત્તમ સ્પીડ ૯૦ કિલોમીટરની હશે. આ ઉપરાંત લાઈટ જશે તો પણ ટ્રેન એક કલાક સુધી દોડશે, જેથી પેસેન્જરની મુસાફરી અટકશે નહીં. જેમાં ૪૦થી ૫૦ લોકો બેસી શકશે, જ્યારે ૨૫૦ લોકો ઉભા રહી શકશે. મેગા કંપની દ્વારા મેટ્રો ટ્રેનના ૯૬ કોચ માટે ૧૦૫૦ કરોડ રૂપિયાના ખર્ચે દક્ષિણ કોરિયાની કંપનીને વર્ક ઓર્ડર આપ્યાં છે. સરેરાશ ૩૪ કિલોમીટરની સ્પીડે દોડનારી આ ટ્રેન એક સ્ટેશન પર ૩૦ સેકન્ડ રોકાશે. પીક અવરમાં આ ટ્રેનનું દર બે મિનિટે જ્યારે ભીડ ઓછી હોય ત્યારે ૧૨થી ૧૫ મિનિટે સંચાલન કરવામાં આવશે. કોચમાં સંચાલન સ્પીડ ૮૦ કિલોમીટર, સરેરાશ સ્પીડ ૩૪ કિલોમીટર, ઈમરજન્સી એલાર્મ, પેસેન્જર એડ્રેસિંગ સિસ્ટમ, સીસીટીવી અને સ્મોક એન્ડ ફાયર ડિટેક્શન સિસ્ટમ જેવી સુવિધાઓ હશે. મેટ્રો રેલના કારણે ઘણો ફાયદો અને આરામદાયક સફરની સુવિધા ઉપલબ્ધ બનશે તે નક્કી છે.