અમદાવાદ: ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે સમગ્ર દેશમાં ઠંડી લહેર છવાઈ છે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. દાહોદમાં લઘુતમ તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચી ગયું છે. નલિયાનું લઘુતમ તાપમાન 10.5 ડિગ્રી પર પહોંચી જતાં લોકો ઠુંઠવાઈ ગયા હતા. આ ઉપરાંત અમદાવાદનું તાપમાન સિઝનમાં પહેલીવાર 13.6 ડિગ્રીએ પહોંચી જતાં પરોઢે ઠંડકનો અહેસાસ થયો હતો. ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું હવામાન રહેશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં તથા દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહ્યું છે. આ સાથે આગામી 24 કલાકમાં પણ ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની આગાહી છે. ગુજરાતમાં હાલ ઉત્તરપૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય ત્યારબાદ ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્શિયસનો વધારો થવાની સંભાવના છે. સમગ્ર પ્રદેશમાં તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત ઉત્તરપશ્ચિમ ભારતના મોટાભાગના ભાગોમાં ઠંડીમાં વધારો અને શીત લહેરની આગાહી કરી છે. પૂર્વ ભારતમાં, બંગાળની ખાડીમાં એક સિસ્ટમ વિકસિત થઈ છે, જ્યારે 22 નવેમ્બરથી બીજી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. આનાથી ચક્રવાતી તોફાનનું જોખમ વધ્યું છે. આના કારણે, દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં વરસાદની આગાહી છે.
