હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં વરસાદ ભુક્કા કાઢશે? બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન

Rudra
By Rudra 3 Min Read

અમદાવાદ: ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હલચલના કારણે અનેક રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને સાવધાન રહેવાની ચેતવણી આપી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લોપ્રેશર સમુદ્ર વિસ્તાર ઊંડા ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારોમાં, 65થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ પર વરસાદનું જોર છે. સૌરાષ્ટ્ર પર જે સિસ્ટમ હતી તે આગળ વધીને હવે અરબી સમુદ્રમાં પહોંચી ગઈ છે. આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચતાની સાથે જ ડિપ્રેશન બની ગઈ છે. હવામાન વિભાગે જાહેર કરેલા ટ્રેક પ્રમાણે આ સિસ્ટમ હજી આગામી 3 દિવસ દરમિયાન તે દક્ષિણ-પશ્ચિમ તરફ મધ્ય અરબી સમુદ્ર તરફ આગળ વધવાની સંભાવના છે. એટલે કે, સિસ્ટમ ગુજરાત નજીક દરિયામાં જ રહેવાની સંભાવના છે. જેના લીધે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે અને બીજા વિસ્તારોમાં છૂટોછવાયો હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ થવાની સંભાવના છે.

નૈઋત્યના ચોમાસાની વિદાય રેખા વેરાવળ, ભરૂચ, ઉજ્જૈન, ઝાંસી, શાહજહાંપુર પર યથાવત છે. નોંધનીય છે કે, કેટલાક દિવસથી ગુજરાતમાંથી ચોમાસાની વિદાય અટકી ગઈ છે. અરબી સમુદ્રમાંથી ગુજરાત પર હાલ ભેજવાળા પવનો આવી રહ્યા છે અને સિસ્ટમને કારણે પવનની ગતિ પણ કેટલાક વિસ્તારોમાં વધારે રહેવાની સંભાવના છે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બની હતી તે વધારે મજબૂત બની ગઈ છે અને તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે. હવામાન વિભાગે ગુરુવારે આપેલી માહિતી પ્રમાણે, આજથી એટલે કે બીજીથી આઠમી ઓક્ટોબર સુધી ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હળવા વરસાદ સાથે ગાજવીજની પણ આગાહી કરવામાં આવી છે. જોકે, આ ઉપરાંત ભારે વરસાદની કોઈ આગાહી આપવામાં આવી નથી.

હવામાન અનુસાર આજે, શુક્રવારે ભારે વરસાદની સંભાવના છે, કારણ કે તે ઓડિશા કિનારાથી પસાર થઈને છત્તીસગઢ, ઝારખંડ અને બિહાર સહિત ભારતના આંતરિક ભાગોમાં પ્રવેશ કરશે. અરબી સમુદ્રમાં એક ઊંડા દબાણના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પર પણ ચક્રવાતી પરિભ્રમણ છે, જે રાજસ્થાનથી હરિયાણા અને પછી દિલ્હી સુધી હળવો વરસાદ લાવશે તેવી સંભાવના છે.

Share This Article