અમદાવાદ : ખાંભાના પીપળવા, ગીદડી, ઉમરીયા, લ્હાસા, ભાણીયા ગામોમાં વરસાદના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. સોમવારે વહેલી સવારથી ગુજરાતમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. અમદાવાદ જીલ્લાના સાણંદ, ધોળકા, વિરમગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. અમદાવાદ શહેરમાં મેમનગર, ગુરૂકુળ,વસ્ત્રાપુર, મણિનગર, ગીતામંદિર, ઈસનપુર,વટવા, શાહીબાગ, મીઠાખળી, સોલા, સેટેલાઈટ વિસ્તારમાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.
રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગામી ત્રણ કલાક અમદાવાદ શહેરમાં 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદર નગર હવેલી, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, આણંદ, ડાંગ, દાહોદ, ભાવનગરમાં છૂટોછવાયો વરસાદ પડશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે, પરંતુ ગુજરાતમાં તેની અસર નહીં દેખાય. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે.
રાજકોટના લોધિકામાં બે કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અમરેલી અને કચ્છ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. આજે ઘણાં જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી છે. જો કે કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે. જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અમરેલી અને કચ્છ જિલ્લામાં આજે ભારે વરસાદ પડ્યો હતો. ખેતરોમાં તૈયાર થયેલા મગફળીના પાક પર પડેલા વરસાદને કારણે સેંકડો ખેડૂતોની દિવાળી બગડી હતી. હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગઈકાલે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે જગતનો તાત પરેશાન હતો. અમરેલીના ખાંબા અને ગ્રામ્ય વિસ્તારો વરસાદથી છવાયેલા જોવા મળ્યા હતા. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ખાંબાની નાનુદી નદી બે કાંઠે વહેતી થઈ હતી. ખાંભાના પીપળવા, ગીદડી, ઉમરીયા, લ્હાસા, ભાણીયા ગામોમાં વરસાદના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.