અમદાવાદ : પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા, ગાંધીનગર ખાતે વિશ્વવિખ્યાત એવા ગુજરાતના સુપ્રસિધ્ધ લોકસાહિત્ય કલાકારો, સંગીતકારો, લોકગાયક-ગાયિકા તથા ગુજરાતી ફિલ્મોના અભિનેતા-અભિનેત્રી ભાજપામાં જોડાયા હતા.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ વિશ્વવિખ્યાત એવા લોકગાયક હેમંત ચૌહાણ, બંકિમભાઇ પાઠક, ભાવના લાબડીયા, સંગિતા લાબડીયા, બિહારીભાઇ હેમુભાઇ ગઢવી, ધનરાજ ગઢવી, અમુદાન ગઢવી, કિરિટદાન ગઢવી, શ્યામલ મુન્શી- સૌમિલ સહિત ગોપાલભાઇ બારોટ, બ્રિજરાજ લાબડીયા, બટુક ઠાકોર, શશીભાઇ પારેખ, જીતેન્દ્ર ઠક્કર, રાજેશ ઠક્કર, ડા. વિક્રમ પંચાલ, લોકગાયક સુખદેવ મંગળસિંહ ઝાલા, ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા શૈલેષ ગૌસ્વામી (મોરલો) તથા અભિનેત્રી ઝીલબેન જોષી સહિત ઉપસ્થિત સૌ કલાકારોને ભાજપાનો ખેસ પહેરાવી વિધિવત્ ભાજપામાં આવકાર્યા. આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, હાલ સમગ્ર દેશ તથા ગુજરાતમાં ભાજપાના સંગઠન પર્વ-૨૦૧૯ અંતર્ગત ઉત્સાહભેર સદસ્યતા વૃધ્ધિ અભિયાન ઉજવાઇ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ગૃહ મંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર માં ભારતીને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરવાના સપનાને યથાર્થ કરતાં દેશહિતના અનેકવિધ ઐતિહાસિક નિર્ણયો લઇ રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ તથા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની કુશળ સંગઠનશક્તિ તથા ભાજપાની રાષ્ટ્રપ્રથમ તથા સર્વજન સુખાય સર્વજન હિતાયની વિચારધારાથી પ્રભાવિત થઇ જનસેવાના ભાવથી વિવિધ કલાજગત તથા વિવિધ ક્ષેત્રોના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.
વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતના સપૂત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જાતિવાદ, તુષ્ટિકરણ અને પરિવારવાદનો અંત આવ્યો અને તેમના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે લોકકલ્યાણ માટે કરેલા કાર્યોના આધાર પર, વિકાસવાદી રાજનીતિના આધાર પર ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી લડવામાં આવી અને પ્રચંડ વિજય મેળવ્યો છે.
આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા, ગાંધીનગર ખાતે દેશ-વિદેશમાં વિખ્યાત લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડા. આનંદ ખખ્ખરને ભાજપાનો ખેસ પહેરાવી વિધિવત્ રીતે ભાજપાના સભ્ય બનાવ્યા હતા. ડા. આનંદ ખખ્ખરથી સૌને અવગત કરાવતા વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ૨૦૧૭માં રાષ્ટ્રપતિ દ્વારા બીસી રોય એવોર્ડથી સન્માનિત એવા ગુજરાતના વતની ડા. આનંદ ખખ્ખર ચેન્નાઇ ખાતે આવેલ એપોલો હોસ્પિટલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન તરીકે સેવાઓ આપે છે. તેઓ દેશમાં પેન્ક્રીયાટીક (ઓર્ગન) ટ્રાન્સપ્લાન્ટના પાયોનીયર છે, ૧૦૦૦ થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરનાર ભારતના પ્રથમ ડાકટર છે.