નવીદિલ્હી: પંજાબ નેશનલ બેંકમાં ૧૪ હજાર કરોડ રૂપિયાના કૌભાંડના આરોપી અને ગીતાંજલિ જેમ્સના પ્રમોટર મેહુલ ચોક્સી અમેરિકાથી એન્ટીગુવા ફરાર થઇ ગયો છે. સુત્રોના કહેવા મુજબ ઇન્ટરપોલ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ બાદ એન્ટીગુવાના અધિકારીઓએ આ અંગેની માહિતી આપી છે.
ભારત સરકાર તરફથી ચોક્સીના પ્રત્યાર્પણના પ્રયાસો શરૂ થઇ ચુક્યા છે. ચોક્સીની સામે બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કરાયા છે. ચોક્સીએ ભારતમાં કાયદાકીય સકંજાથી બચવા માટે સોમવારે નવી રમત રમી હતી. ચોક્સીએ મોબ લિંચિંગની શંકા વ્યક્ત કરીને સ્પેશિયલ કોર્ટ તરફથી પોતાની સામે જારી બિનજામીનપાત્ર વોરંટને રદ કરવાની માંગ કરી હતી. હવે એન્ટીગુવા ફરાર થઇ ગયો છે.
અહેવાલમાં કહેવા મુજબ ચોક્સીએ એન્ટીગુવામાં મોટાપાયે રોકાણ કરેલું છે. ત્યાંની નાગરિકતા પણ મેળવેલી છે. એન્ટીગુવાના કાયદા મુજબ જા તે દેશમાં કોઇ વ્યક્તિ ચાર લાખ ડોલરનું રોકાણ કરે છે તો તેને ત્યાંની નાગરિકા મળી જાય છે. ચોક્સી પાસે એન્ટીગુવાના પાસપોર્ટ પણ છે. ઇડી દ્વારા રજૂ કરવામાં આવેલી ચાર્જશીટની નોંધ લઇને પ્રવેન્સન ઓફ મની લોન્ડરિંગ એક્ટ કોર્ટે માર્ચ અને જુલાઈ મહિનામાં ચોક્સીની સામે બિનજામીપાત્રવોરંટ જારી કર્યું હતું.
પીએનબી કૌભાંડનો ખુલાસો થતા પહેલા ચોક્સી દેશ છોડીને ફરાર થઇ ગયો હતો. આ કેસમાં નિરવ મોદી પણ ફરાર છે. બંને સગા સંબંધીમાં છે.
બીજી બાજુ સ્પેશિયલ કોર્ટમાં દાખલ અરજીમાં ચોક્સીએ ભારત વાપસી પર તેના પૂર્વ કર્મચારીઓ, લેણદારો ઉપરાંત જેલ સ્ટાફ દ્વારા તતા કેદીઓ દ્વારા તેના ઉપર હુમલો કરવામાં આવી શકે છે. કર્મચારીઓને પગારની ચુકવણી કરાઈ નથી. લોન પરત કરવામાં આવી નથી. આ તમામ લોકો નારાજ દેખાઈ રહ્યા છે અને જાનનો ખતરો પણ રહેલો છે.
ફોટો સૌજન્યઃ લાઇવમીંટ