નવીદિલ્હી: હજારો કરોડ રૂપિયાના કૌભાંડ કરીને દેશમાંથી ફરાર થયેલા હીરા કારોબારી મેહુલ ચોક્સી ઉપર સંકજા વધુ મજબૂત કરવામાં આવી રહ્યો છે. અહીંથી ભાગીને મેહુલે કેરેબિયન દેશ એન્ટીગુઆની નાગરિકતા હાસલ કરી લીધી હતી. ભારત અને એન્ટીગુવા વચ્ચે પત્યાર્પણ સંધિ હવે થઇ ચુકી છે. આનો મતલબ એ થયો કે, હવે ચોક્સીને સરળતાથી કાયદાકીય પ્રક્રિયા હેઠળ ભારત લાવી શકાશે.
ચોક્સીની એન્ટીગુવામાં હાજરીને લઇને ભારતીય તપાસ સંસ્તાઓ પણ ખાતરી આપી ચુકી છે. હવે ભારતીય તપાસ સંસ્થાઓ ચોક્સી સુધી પહોંચવાના પ્રયાસમાં લાગેલી છે. જુદા જુદા વિકલ્પો પર વિચારણા ચાલી રહી છે. ચોક્સીના મામલામાં મળેલી આ સફળતા મોદી સરકાર માટે રાહતની બાબત હોઈ શકે છે. કારણ કે, સરકારના વલણ ઉપર વિપક્ષ દ્વારા સતત પ્રહાર કરવામાં આવી રહ્યા છે.
મેહુલ ચોક્સીએ એન્ટીગુવાની નાગરિકતા હાસલ કરેલી છે. ભારતીય વિદેશ મંત્રાલય તરફથી આ સંદર્ભમાં એક જાહેરનામું પણ જારી કરવામાં આવી ચુક્યું છે. ભારત સરકારે કહ્યું છે કે, પત્યાર્પણ સંધિ ૧૯૬૨ની જોગવાઈ એન્ટીગુઆ એન્ડ બરબુડા ઉપર પણ લાગૂ થશે. આ પહેલા એન્ટીગુવાએ કહ્યું હતું કે, બંને દેશ રાષ્ટ્રમંડળના દેશ હોવાથી તેમની વચ્ચે પ્રત્યાર્પણ સમજૂતિ થઇ શકે છે. હજુ સુધી પ્રત્યાર્પણ સમજૂતિ ન હતી. હાલમાં જ એન્ટીગુઆ સરકારે કહ્યું હતું કે, ભારત તરફથી પોલીસ મંજુરી મળી ગયા બાદ ફરાર અપરાધીને નાગરિકતા આપવામાં આવી હતી.
એન્ટીગુઆ સરકારની સિટિઝનશીપ બાય ઇન્વેસ્ટમેન્ટ યુનિટ દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, તેને મે ૨૦૧૭માં મેહુલ ચોક્સી તરફથી આવેદન મળ્યું હતું. આવેદનમાં ચોક્સીએ તમામ જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા હતા. જરૂરી નિયમો પાળવામાં આવ્યા હતા.
મુંબઈ પોલીસનું કહેવું છે કે, ૨૩મી ફેબ્રુઆરી ૨૦૧૭ના દિવે ચોક્સીએ પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ માટે મુંબઈ આરપીઓમાં અરજી કરી હતી. ૧૦મી માર્ચ ૨૦૧૭ના દિવસે માલાબાર હિલ પોલીસ સ્ટેશન તરફથી ક્લિયરન્સ સર્ટિફિકેટ જારી કરવામાં આવ્યું હતું. આ સર્ટિ જારી કરવામાં આવ્યા બાદ નાગરિકતા મળવાનો માર્ગ મોકળો થયો હતો.
બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણ સંધિ થયા બાદ હવે મેહુલ ચોક્સીની મુશ્કેલી વધી શકે છે અને તેને ભારત લાવવા માટેની તૈયારી કરવામાં આવી શકે છે. હજારો કરોડ રૂપિયાના કૌભાંડ કરીને દેશની બહાર ફરાર થયેલા હિરા કારોબારી મેહુલ ચોક્સીની તકલીફ કાયદાકીય રીતે હવે વધી શકે છે.
 


 
                                 
                              
		 
		 
		 
		 
		 
		 
		