અમદાવાદ : શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે ટ્રાફિક પોલીસે આજે શહેરના પૂર્વ વિસ્તારમાં સવારથી જ સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી હતી. ૬૦૦થી વધુ પોલીસનો કાફલો ૨૫થી વધુ ક્રેઈન સાથે ઊતરી પડ્યો હતો. પહેલા એક કલાકમાં ૩૦૦ વાહનચાલકો નિયમ ભંગ બદલ ઝડપાયા હતા. પોલીસે બહુ અસરકારક રીતે ડ્રાઇવ ચલાવી ૧૬૦થી વધુ વાહનો ડિટેઇન કર્યા હતા તો, બે લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલ કર્યો હતો, જયારે રસ્તામાં અડચણરૂપ અને આડેધડ રીતે પાર્ક કરાયેલા ૪૦૦થી વધુ વાહનો દૂર કરી માર્ગો ખુલ્લા કરાવાયા હતા. આ અંગે સેક્ટર-૨ એડિશનલ કમિશનર ઓફ પોલીસ અશોક યાદવે જણાવ્યું હતું કે, શહેરમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે ત્યારે તેને હલ કરવાના ભાગરૂપે અને નાગરિકોમાં સ્વયં ટ્રાફિક નિયમનની જાગૃતતા કેળવાય તેના વધુ એક પ્રયાસના ભાગરૂપે પોલીસ દ્વારા આજની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસની સાથે ડ્રાઈવમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો પણ જોડાઈ છે. રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ નાનામોટા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. આજની ડ્રાઇવમાં ટ્રાફિક પોલીસ લાઇસન્સ રદ કરવા સુધીના આકરાં પગલાં ભરી રહી છે.
હવેથી જો ચાલુ વાહને ફોન કરતાં પકડાયા કે પછી રોંગ સાઇડમાં વાહન હંકારતા પકડાયા તો લાઇસન્સ સ્થળ પર જ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. અત્યાર સુધી ટ્રાફિક પોલીસ ઉદાર મન રાખીને અમુક કિસ્સામાં સ્થળ પર દંડ વસૂલ કરીને વાહન ચાલકોને જવા દેતા હતા. પરંતુ હવે આરટીઓના અધિકારીઓને લાઇસન્સ સસ્પેન્ડ કરવા સુધીની સત્તા આપી દેવામાં આવી છે. આજે સવારથી જ વધુ ટ્રાફિક રહે છે તેવા શહેરના પૂર્વ વિસ્તારો રખિયાલ ચાર રસ્તા,ગોમતીપુરમાં આવેલા કાલિદાસ ચાર રસ્તા ,બાપુનગર- દિનેશ ચેમ્બર ચાર રસ્તા,ઓઢવ-સોનીની ચાલી ચાર રસ્તા અને રિંગરોડ સર્કલ,અમરાઈવાડી -હાટકેશ્વર ચાર રસ્તા,રામોલ-વસ્ત્રાલ ચાર રસ્તા,અને સીટીએમ ચાર રસ્તા, ખોખરા સર્કલ,અને નિકોલ કઠવાડા ચાર રસ્તા વિસ્તારમાં સવારે દસ વાગ્યાથી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. ઝોન -૫ાંચ અને ઝોન-૬ની ૨૦ પોલીસ ટીમ આ માટે કાર્યરત કરાઈ હતી. એક જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ જેસીપી,એક એડિશનલ સી પી, ચાર ડી સી પી, પાંચ એ સી પી , દસ પી આઈ, ચાલીસ પી એસ આઈ,૬૦૦ પોલીસ,અને ૨૫થી વધુ ક્રેઈન સાથે ટ્રાફિક વિભાગ પૂર્વ વિસ્તારના રસ્તાઓ પર ફરી વળ્યા હતા અને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહન ચાલકોને દંડવાનું શરૂ કરી દીધું હતું મોટાભાગના વાહનચાલકો હેલ્મેટ વગર વાહન ચલાવતા હોવાથી દંડાયા હતા.
ઉપરાંત ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા,રોગ સાઈડ વાહન હંકારતા ઝડપાયા હતા. ભયજનક રીતે વાહન હંકારવું, સીટ બેલ્ટ ન બાંધવો, ચાલુ વાહન પર વાત કરવી, રોંગ સાઇડમાં વાહન હંકારવું જેવા કિસ્સામાં ટ્રાફિક પોલીસ હવે વાહનચાલકને પકડીને આરટીઓ લઈ જવાયા હતા. આજની મેગા ડ્રાઇવ દરમ્યાન કુલ ૧૬૦થી વધુ વાહનો ડિટેઇન કરાયા હતા, તો, બે લાખથી વધુનો દંડ વસૂલાયો હતો. જયારે રસ્તામાં અડચણરૂપ અને આડેધડ પાર્ક કરાયેલા ૪૦૦થી વધુ વાહનો સામે કાર્યવાહી હાથ ધરાઇ હતી.