જામનગર મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ગેરકાયદે ખડકાયેલી 51 જેટલી દુકાનો તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, આ વેળાએ ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. બાગ બગીચા માટે રિઝર્વ રખાયેલી જગ્યાને ખુલ્લી કરવામાં આવી હતી.
આ મેગા ડિમોલેશન દરમિયાન જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા. જે તમામ પોલીસ અધિકારીઓના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે સમગ્ર ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકા દ્વારા ઢીંચડા રોડ પર 30 મીટરનો રોડ બનાવવામાં આવી રહ્યો છે, જે રોડમાં ઢીંચડા નજીકના માર્ગે આશરે 10.5 હજાર ચોરસ મીટર જગ્યામાં એક ધાર્મિક સ્થળનું બાંધકામ ઉભું કરાયું હતું અને એક દરગાહ ખડકી દેવામાં આવી હતી. જે જગ્યા ખાલી કરવા અંગે તંત્ર દ્વારા અનેક વખત નોટિસો અપાઈ હતી. પરંતુ જગ્યા ખુલ્લી કરવામાં આવી ન હતી.
આજથી દોઢ વર્ષ પહેલાં જામનગર શહેર વિભાગના મામલતદાર દ્વારા પણ સ્થળ પર રોજકામ વગેરે કરાવાયું હતું અને સરકારની જગ્યા ખુલી કરી દેવા માટે નોટિસ પાઠવવા સહિતની કાર્યવાહી કરાઇ હતી. પરંતુ ધાર્મિક સ્થળનું બાંધકામ દૂર કરાયું ન હતું.હાલમાં નવો રોડ બનાવવાની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે, ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક સ્થળના વ્યવસ્થાપકોને અંતિમ નોટિસ પાઠવાઇ હતી, ત્યારબાદ આજે ડિમોલેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
લગભગ 3 કલાકના સમયગાળા દરમિયાન ગેરકાયદેસર બાંધકામ દૂર કરી નાખી સરકારી જગ્યા ખુલ્લી કરાવી દેવામાં આવી હતી. જામનગર શહેરમાં નજીકના ભવિષ્યમાં જ આ વિસ્તારમાં નવો 30 મીટરનો રોડ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.