ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે થયેલી બે વખતની વાતચીત બાદ પ્રેસ કોન્ફરન્સમાં એક સમાધાન પત્ર પર સહી કરી છે. કિમ સાથે થયેલ આ મુલાકાતને ટ્રમ્પે ઐતિહાસિક મુલાકાત ગણાવી છે, જ્યારે કિમ જોંગે કહ્યું છે કે, આ સમાધાનપત્ર પર સહી કર્યા બાદ દુનિયા મોટા બદલાવ જોશે.
સિંગાપુર સમિટ બાદ બંને વચ્ચેની મુલાકાત આમ જોતા સફળ જ રહી છે. સંયુક્ત બયાન જાહેર કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કિમ જોંગને વ્હાઇટ હાઉસ આવવા માટે નિમંત્રણ આપ્યું છે. બંને નેતા વચ્ચે આ સહી થયા પહેલા બે વખત વાતચીત થઇ હતી. બંને નેતાઓએ લંચ પણ સાથે જ કર્યુ હતુ. આ સિવાય બંને નેતા રિસોર્ટની અંદર લટાર મારતા પણ નજરે ચડ્યા હતા.
સેંટોસા દ્વીપના કૈપેલા રિસોર્ટમાં બંને નેતાઓ વચ્ચે 41 મિનીટ સુધી વન ઓન વન વાતચીત ચાલી હતી. આ મુલાકાત આમ જોવા જઇએ તો ઐતિહાસિક મુલાકાત છે, કારણકે અમેરિકાના કોઇ સિટિંગ રાષ્ટ્રપતિ પહેલી વાર કોઇ ઉત્તર કોરિયાઇ નેતાને મળ્યા છે, તો બીજી તરફ સત્તા સંભાળ્યાના 7 વર્ષ બાદ કિમ જોંગ આટલી લાંબી વિદેશ યાત્રા પર આવ્યા છે.
આ મિટિંગમાં કોઇ ઉણપ ના રહી જાય તે માટે સિંગાપુરમાં જોરશોરથી તૈયારી કરવામાં આવી હતી. આ મિટીંગ પાછળ 100 કરોડથી વધારે ભારતીય રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. હવે આ મુલાકાત બાદ અમેરિકા અને ઉત્તર કોરિયા સિવાય દુનિયાને પણ શું લાભ થાય છે તે જોવું રહ્યું.