હવે મેરઠમાં આંબેડકરની મૂર્તિ તોડવામાં આવી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત પછી લેનિની મૂર્તિ તોડવાની ઘટના પછી મૂર્તિ તોડવાનો ઘટનાક્રમ ચાલુ જ છે. ત્રિપુરાથી શરુ થયેલો આ ઘટનાક્રમ તમિલનાડુ અને કલકત્તા થઈને ઉત્તરપ્રદેશ સુધી પહોંચી ગયો છે. ઉત્તરપ્રદેશના મેરઠમાં ભીમરાવ આંબેડકરની મૂર્તિ તોડવાના સમાચાર મળ્યા છે.

મેરઠના મદાના પોલીસ સ્ટેશનમાં સ્થાપિત ડો. બી.આર. આંબેડકરની એક મૂર્તિ બુધવારના રોજ તૂટેલી હાલતમાં મળી. એવું માનવામાં આવી રહ્યું છે કે અમુક અસામાજિક તત્વોએ મંગળવારે આ કામ કર્યું છે. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ આરોપીઓને પકડવાનો પ્રયત્ન કરી રહી છે. મૂર્તિ તૂટેલી જોઈને સ્થાનિક લોકોએ ટ્રાફિક રોકીને વિરોધ પ્રદર્શન શરુ કર્યુ હતું. પરંતુ પ્રશાસને નવી મૂર્તિ લગાવવાનું આશ્વાસન આપીને લોકોને શાંત કર્યા હતા. અત્યારે ત્યાં બાબાસાહેબ આંબેડકરની નવી મૂર્તિ લગાવવામાં આવી છે.

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત અને રાજકીય પક્ષોના નેતાઓએ આ ઘટનાની નિંદા કરી છે. આ સિવાય એક્ટર અને નેતા કમલ હસને પણ આ ઘટનાને વખોડી કાઢી હતી. તમને જણાવી દઈએ કે ત્રિપુરામાં ભાજપની જીત પછી લેનિનની મૂર્તી તોડી કાઢવામાં આવી હતી. ત્યારપછી જ આ હોબાળો શરુ થયો છે.

Share This Article