અમદાવાદ : શહેરના અમરાઇવાડી વિસ્તારમાંથી નારકોટીક્સ કંટ્રોલ બ્યુરો(એનસીબી)ના અધિકારીઓએ આજે ચોક્કસ બાતમીના આધારે એક આરોપીને ઝડપી લઇ તેની પાસેથી પ્રતિબંધિત આલ્પ્રાઝોલમ સહિતની ગોળીઓનો મોટો જથ્થો પકડી પાડતાં ભારે ચકચાર મચી ગઇ હતી. એનસીબીના અધિકારીઓએ પ્રતિબંધિત દવાઓના વેચાણ અને હેરાફેરીનું આ રાજયવ્યાપી કે આંતરરાજયવ્યાપી કૌભાંડ હોઇ શકે તેવી આશંકા પણ વ્યકત કરી છે અને તેના આધારે હવે સમગ્ર તપાસનો દોર આગળ ધપાવ્યો છે. એનસીબીની ટીમે આરોપી દિલીપ પરમાર પાસેથી રૂ.૭૫ લાખની કિંમતનો આલ્પ્રાઝોલમ સહિતની પ્રતિબંધિત દવાઓની ૨૨ હજારથી વધુ ગોળીઓનો જથ્થો જપ્ત કર્યો હતો.
નારકોટીક્સ કંટ્રોલ બ્યુરો(એનસીબી)ના અધિકારીઓ દ્વારા અમદાવાદ શહેરમાં થોડા સમય પહેલાં જ ચરસ,ડ્રગ્સ સહિતના માદક દ્રવ્યોના મોટા કન્સાઇનમેન્ટનો પર્દાફાશ કરી આરોપીઓને પકડવામાં આવ્યા હતા. શહેરમાં ખાસ કરીને રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેશનો સહિતના સ્થળોએ માદક દ્રવ્યો કે પ્રતિબંધિત ડ્રગ્સ-દવાઓની હેરફેરને અટકાવવા અને તેના કન્સાઇનમેન્ટ પર એનસીબી ખાનગી રાહે ઇનપુટ્સ મેળવતી જ રહે છે, તેના ભાગરૂપે એનસીબીના અધિકારીઓને ચોકક્સ બાતમી મળી હતી કે, પ્રતિબંધિત દવાઓના મોટા જથ્થા સાથે એક આરોપી અમરાઇવાડી વિસ્તારમાં ખાનગી લકઝરીમાં જઇ રહ્યો છે, જેના આધારે એનસીબીના ચુનંદા અધિકારીઓએ ભારે ગુપ્તતા સાથે ઓપરેશન પાર પાડયું હતું અને અમદાવાદથી શીરડી જતી એમ.કે. બસ સર્વિસની લકઝરી બસને આંતરી તેમાંથી આરોપી દિલીપ પરિહાર પાસેથી એક બેગમાંથી પ્રતિબંધિત આલ્પ્રાઝોલમ સહિતની દવાઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
એનસીબીએ આરોપીની ધરપકડ કરી તેની વિરૂધ્ધ એનડીપીએસ એકટ હેઠળ જરૂરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ઇન્ટરનેશનલ માર્કેટમાં આ દવાઓની કિંમત રૂ.૭૫ લાખથી વધુ થવા જાય છે. એનસીબીના અધિકારીઓએ આરોપી પાસેથી રૂ.૨૨ હજારથી વધુ પ્રતિબંધિત ગોળીઓનો જથ્થો જપ્ત કર્યો હતો અને પ્રતિબંધિત આ દવાઓનો જથ્થો આરોપી કયાંથી લાવ્યો હતો અને કોને પહોંચાડવા જઇ રહ્યો હતો તેમ જ સમગ્ર રેકેટમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે સહિતના મુદ્દે ઝીણવટભરી તપાસ આરંભી છે.