અમદાવાદ : કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક રીતે નબળા સવર્ણોને શિક્ષણ તેમજ નોકરીમાં ૧૦ ટકા અનામત આપવાની જાહેરાત કરી અને સંસદમાં અને રાજયસભામાં કાયદો પસાર કર્યો હતો. જેને પગલે આજે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આગામી સત્રથી જ રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજના મેડિકલ અને એન્જિનિયરીંગ જેવા ઉચ્ચ અભ્યાસોમાં ૧૦ ટકા ઈબીસીનો અમલ થશે. સરકારની આ મોટી જાહેરાતને પગલે આર્થિક રીતે નબળા સવર્ણ વિદ્યાર્થીઓને અભ્યાસમાં હવે ઘણો ફાયદો થશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, ગત તા. ૩-૧-૨૦૧૯ના રોજ સરકારે બિન અનામત જ્ઞાતિઓને આર્થિક અનામત આપવાનો કાયદો પસાર કર્યો અને તેને અમલમાં મૂકી દીધો છે અને ચાલી રહેલી સરકારી ભરતીમાં ૧૦ ટકા આર્થિક અનામતનો લાભ આપવાની શરૂઆત થઈ ગઈ છે. ધોરણ ૧૨ અને અન્ય શૈક્ષણિક પરિણામો જાહેર થઈ ગયા છે. મેડિકલ, એન્જિનિયરીંગ, આઈ.ટી.એન્જિનિયરીંગમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ થવાની તૈયારીઓ ચાલી રહી હોવાથી આ પ્રક્રિયા ચાલુ થાય ત્યારે આર્થિક પછાત બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ભારત સરકારે કેટલાક નોટિફિકેશન્સ જાહેર કર્યા છે.
આ નોટિફીકેશન્સ અંતર્ગત દરેક વિદ્યાર્થીને ૧૦ ટકાનો આર્થિક અનાતમનો ક્વોટાનો લાભ નવી પ્રવેશ પ્રક્રિયામાં મળશે. ત્રણ દિવસ પહેલાં મુખ્યમંત્રી અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા પછી રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યું કે, કેન્દ્ર સરકારે અમરેલીમાં નવી મેડિકલ કોલેજને મંજૂરી આપી છે. અમેરલીમાં મેડિકલ કોલેજને મંજૂરી મળતા રાજ્યમાં મેડિકલના અભ્યાસક્રમની ૧૫૦ બેઠકોમાં વધારો થશે. હવે રાજ્યમાં મેડિકલની ૫૨૬૪ બેઠકો થશે. મોટાભાગની મેડિકલ કોલેજમાં ૧૫૦ બેઠકોની ક્ષમતા હોય છે. હવે ૧૦ ટકા સવર્ણ અનામત મળતા દરેક મેડિકલ કોલેજમાં આશરે ૩૫ બેઠકોનો વધારો થશે. આમ આર્થિક રીતે નબળા સવર્ણોને અનામત મળવાથી વર્તમાન અનામતની ટકાવારીમાં કોઈ નુકસાન થશે નહીં.