- રાષ્ટ્રીય આયોગની ભલામણો અનુસાર ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની એડવાઇઝરી
બાળકોની જાતીય સતામણી કે અત્યાચારના કેસોની વિગતો મીડિયામાં પ્રસિદ્ધ થાય છે, તેમાં સગીર અને મૃત્યુ પામેલા બાળક કે બાળકીની ઓળખ છતી કરવામાં આવે છે, આ સંદર્ભે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે જુવેનાઇલ જસ્ટીસ એકટ-૨૦૧૫ના અનુચ્છેદ-૭૪ની જોગવાઇઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે.
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા જણાવાયું છે કે, જુવેનાઇલ જસ્ટીસ એકટ-૨૦૧૫ના અનુચ્છેદ ૭૪ની જોગવાઇ છે કે, જાતિય સતામણી કે અત્યાચારનો ભોગ બનેલું બાળક કે બાળકી મૃત્યુ પામ્યું હોય, પરંતુ તેના આત્માને દુ:ખ ન થાય તે દ્રષ્ટિએ તેની ઓળખ છતી થવી ન જોઇએ. આ કલમની જોગવાઇઓ અનુસાર કોઇપણ મીડિયા કે માધ્યમો પીડિત બાળક કે બાળકીનું નામ, સરનામું, તેની શાળાનું નામ, કેસમાં સાક્ષી હોય તેમના કે કોઇપણનું નામ જાહેર કરી શકતા નથી કે તેના ફોટોગ્રાફ પણ દર્શાવવા જોઇએ નહીં. કેસ બંધ થઇ ગયા પછી પણ, અથવા કેસના નિકાલ પછી પણ પોલીસે પીડિત બાળક કે બાળકીને લગતા કોઇપણ દસ્તાવેજો અથવા માહિતી કોઇપણ કારણોસર જાહેર કરવી નહીં. અનુચ્છેદ ૭૪ની સબ સેકશન-૧ની જોગવાઇઓનું ઉલ્લંઘન કરવામાં આવે તો છ મહિનાની જેલ અથવા રૂ.બે લાખ સુધીનો દંડ અથવા બન્ને સજા થઇ શકે છે.
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, નવી દિલ્હીએ બહાર પાડેલી યાદીઓને ટાંકીને જણાવાયું છે કે, જમ્મુ-કાશ્મિરના કઠુઆના રસાના ગામમાં આઠ વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના કિસ્સામાં મીડિયા ચેનલો અને સમાચાર પત્રો દ્વારા સગીર પીડિતાનું નામ અને ફોટા દર્શાવવામાં આવ્યા હતા, જે જુવેનાઇલ જસ્ટીસ એકટ-૨૦૧૫ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન)ના અનુચ્છેદ-૭૪ની જોગવાઇઓનું સ્પષ્ટપણે ઉલ્લંઘન છે.
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, નવી દિલ્હીએ ઇન્ડીયન ન્યુઝ પેપર સોસાયટી, ન્યુઝ બ્રોડકાસ્ટ એસોસિશએશન અને એડીટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાને પત્રો લખીને આ અંગે મીડિયા એડવાઇઝરી પણ મોકલી છે. મીડિયા પ્રોફેશનલ્સ માટેની ‘હેન્ડબૂક’ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની વેબસાઇટ પર પણ છે. આ અંગે ગાઇડલાઇન્સનું પાલન કરવા મીડિયાને અનુરોધ કરવામાં આવ્યો છે.