રાજ્યમાં ઓરી-રૂબેલાના રોગ સામે રક્ષણ આપવા માટે રાજ્ય સરકારે જે જન અભિયાન ઉપાડ્યુ છે જેમાં રાજ્યભરના દોઢ કરોડથી વધુ બાળકોને આવરી લેવાનું આયોજન છે તે પૈકી આજ સુધીમાં ૩૯.૮૦ લાખથી વધુ બાળકોનું રસીકરણ સંપન્ન થયું છે. આ અભિયાન અંતર્ગત રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ તેમજ ખાનગી બાળ રોગ નિષ્ણાત પણ પોતાના બાળકોને એમ.આર.ની રસી અપાવી રહ્યા છે. આવું જ એક ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં સાબરકાંઠાના જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મનીષ ફેન્સી અને પ્રખ્યાત ખાનગી બાળ રોગ નિષ્ણાત ડૉ. સંદિપ ત્રિવેદીએ પોતાના બાળકોનું શાળામાં જઇ રસીકરણ કરાવીને પુરૂ પાડ્યું છે.
આ અભિયાનના પ્રથમ તબક્કામાં તમામ શાળાઓમાં કામગીરી કરવાની હોઇ, અત્યાર સુધીમાં કુલ ૩૦,૪૩૭ રસીકરણ સત્રનું આયોજન કરી ૩૯.૮૦ લાખ બાળકોને એમ.આર. રસી આપી ઓરી અને રૂબેલા રોગથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. ઓરી-રૂબેલાની આ રસી ૧૦૦ ટકા સુરક્ષિતઅને અસરકારક છે. જ્યારે કોઇપણ વિશાળ રસીકરણ અભિયાનમાં શાળામાં ભરણા મોટા બાળકોમાં સોયના ભયના કારણે માનસિક તાણ થવાની સંભાવના હોય છે, પરંતુ તેને દૂર કરવા માટે દરેક શાળાઓમાં આ અભિયાનને લઇને શિક્ષકો, વાલીઓ અને બાળકોમાં એક ઉત્સવ જેવા માહોલનું વાતાવરણ પેદા થયું છે.
આરોગ્ય વિભાગના અધિક નિયામકે તેમણે કહ્યું કે, આ કાર્યક્રમના સુપરવિઝન માટે વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી તમામ જિલ્લા તથા કોર્પોરેશન વિસ્તાર માટે મોનીટર્સ નિયુક્ત કરવામાં આવેલ છે. યુનિસેફ સંસ્થા તરફથી રસીકરણ અંગે જનજાગૃતિ લાવવા અને ગેરસમજ દૂર કરવા માટે વિવિધ સહયોગ આપવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ તેમજ ખાનગી બાળરોગ નિષ્ણાંત પણ પોતાના બાળકોને એમ.આર.ની રસી અપાવી સમાજ માટે ઉમદા અને પ્રેરક ઉદાહરણ પ્રસ્તુત કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વાર એમ.આર. રસીની ગુણવત્તા અને કોલ્ડ ચેઇનની જાળવણીની તકેદારી રાખી તાલીમબદ્ધ આરોગ્ય કાર્યકર દ્વારા આ રસી આપવામાં આવે છે.
તેમણે ઉમેર્યું કે, વર્ષ-૨૦૨૦ સુધી ગુજરાત અને દેશમાંથી ઓરીનું નિવારણ અને રૂબેલાનું નિયંત્રણ લાવવાના ધ્યેય સાથે ૧૬મી જુલાઇ-૨૦૧૮ના રોજ મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાનની શુભ શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત રાજ્યના ૯ માસથી ૧૫ વર્ષ સુધીના આશરે ૧.૬ કરોડ બાળકોને એમ.આર.ની રસી આપવામાં આવનાર છે. અગાઉ દેશના ૨૦ રાજ્યોમાં ૯.૨ કરોડથી વધુ બાળકોને એમ.આર. રસી સફળતાપૂર્વક મૂકાઇ છે.