અમદાવાદ : આગામી લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રહિત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પુનઃ પ્રચંડ બહુમતી સાથે ફરી એકવખત દેશના ચોકીદાર બનીને દેશની સેવા કરશે તેવો વિજયસંકલ્પ વ્યક્ત કરતા વાઘાણીએ જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને નેતૃત્વમાં પ્રજાએ મુકેલા વિશ્વાસને લીધે નરેન્દ્ર મોદીની નાનામાં નાની વાત જનઆંદોલન સ્વરૂપે સમગ્ર દેશવાસીઓ સ્વીકારે છે, સોશીયલ મીડિયા ઉપર ‘મૈં ભી ચૌકીદાર’ના હેશટેગ્ સાથે શરૂ થયેલા અભિયાનને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. આ અભિયાન હવે સ્વયંભૂ લોકઆંદોલનમાં પરિવર્તિત થઇ ચૂક્યુ છે. આ અભિયાનને અત્યાર સુધીમાં ૩૦ લાખ વખત રીટ્વીટ અને ૧.૫ કરોડ જેટલા ઇમ્પ્રેશન્સ (પ્રતિસાદ) મળ્યા છે.
‘મૈં ભી ચૌકીદાર’ અભિયાન સાથે જોડાયેલ વિડીયો સોશીયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપર એક કરોડ કરતાં વધુ લોકો નિહાળી ચૂક્યા છે. જે દર્શાવે છે કે આ અભિયાન એક જનઆંદોલન સ્વરૂપે સમગ્ર ભારતમાં પ્રસરી રહ્યું છે. વાઘાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલ ‘ચૌકીદાર’ શબ્દની પુર્ન્વ્યાખ્યાનો ઉલ્લેખ કરતાં જણાવ્યુ હતુ કે, દેશમાં ગરીબી, ભ્રષ્ટાચાર, અસ્વચ્છતા, આતંકવાદ અને અન્ય સામાજીક દુષણો સામે લડનાર દેશની પ્રત્યેક વ્યક્તિ દેશનો ચોકીદાર છે. દેશના વિકાસ માટે અથાગ પરિશ્રમ કરતી પ્રત્યેક વ્યક્તિ ચોકીદાર છે. આજે, પ્રત્યેક ભારતીય ‘મૈં ભી ચૌકીદાર’ કહેવામાં ગર્વ અનુભવે છે.
વાઘાણીએ જણાવ્યું હતું કે, ૩૧મી માર્ચ, ૨૦૧૯ના રોજ સાંજે ૫.૦૦ વાગ્યે અત્યાર સુધીના સૌથી વ્યાપક એવા ‘મૈં ભી ચૌકીદાર’ ટાઉન હોલ પ્રોગ્રામ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના ૫૦૦ તથા ગુજરાતના ૫૦ જેટલા સ્થાનો ઉપરથી પ્રજા સાથે સીધો સંવાદ કરશે. ‘મૈં ભી ચૌકીદાર’ અભિયાન અંતર્ગત આ સીધા સંવાદમાં ડાક્ટર્સ, વકીલો, એકાઉન્ટન્ટ્સ, આઇ.ટી. પ્રોફેશનલ્સ અને અન્ય વ્યવસાયિકો, નવા મતદારો, ખેડુતો, નિવૃત્ત કર્મચારીઓ, વેપારી અને ઉદ્યોગપતિઓ સહિત પ્રત્યેક નાગરિક પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે સીધા સંવાદમાં જોડાશે. વાઘાણીએ જણાવ્યું હતું કે, ‘મૈં ભી ચૌકીદાર’ ટાઉન હોલ પ્રોગ્રામ અંતર્ગત મુખ્યમંત્રી રૂપાણી પંચમહાલ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાટણ, ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને લોકસભા ચૂંટણી પ્રભારી ઓમજી માથુર આણંદ અને તેઓ સ્વયં સુરતમાં ઉપસ્થિત રહેશે.