લખનૌ : ઉત્તરપ્રદેશના ખાણ કૌભાંડમાં અખિલેશ યાદવનું નામ ખેંચવામાં આવ્યા બાદ બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતીએ આજે સપાના વડા અખિલેશને ફોન કરીને તેમનું સમર્થન કર્યું હતું અને આ મામલામાં સ્થિતિનો સામનો કરવા માટે કહ્યું હતું. માયાવતીએ સીબીઆઈની કાર્યવાહીને ભાજપના કાવતરા તરીકે ગણાવીને આનો વિરોધ કર્યો હતો. માયાવતીએ કહ્યું હતું કે, ભાજપ સરકારની હકીકત સમગ્ર દુનિયા જાણે છે.
આ પ્રકારની તેમની રાજનીતિ અને ચૂંટણી ષડયંત્ર કોઇ નવી વાત નથી. બસપના લખનૌ યુનિટથી પ્રેસનોટ જારી કરીને માયાવતી અને અખિલેશના સંદર્ભમાં વાતચીતની માહિતી અપાઈ છે. માયાવતીએ
રવિવારના દિવસે અખિલેશને ફોન કરીને કહ્યું હતું કે, દેશની જનતા ભાજપના કાવતરાને સારીરીતે સમજે છે. બસપ આંદોલન પણ આના ભાગરુપે જ છે. અખિલેશને કહેવામાં આવ્યું હતું કે, સ્થિતિનો મજબૂતરીતે સામનો કરવામાં આવે. કેન્દ્ર સરકારના કાવતરાને નિષ્ફળ બનાવી દેવાની જરૂર દેખાઈ રહી છે. માયાવતીએ કહ્યું હતું કે જે દિવસે સપા અને બસપાના નેતૃત્વ એક સાથે આવવાના સમાચાર આવ્યા બાદથી ભાજપે સીબીઆઈને પેન્ડિંગ પડેલા ખાણ મામલામાં દરોડા પડાવી દીધા હતા. આ ઉપરાંત અખિલેશની પુછપરછ કરવામાં આવી હોવાના સમાચાર પણ વહેતા કરવામાં આવ્યા હતા.
ચૂંટણી ષડયંત્રના ભાગરુપે સપા અને બસપાને બદનામ કરવા અને તેમને હેરાન કરવાની કાર્યવાહી ચાલી રહી છે. માયાવતીએ કહ્યું હતું કે, ભાજપની સરકારે તેમની સાથે પણ અગાઉ આવું જ વર્તન કર્યું હતું. આ મામલામાં ભાજપના નેતા બિનજરૂરીરીતે નિવેદનબાજી કરી રહ્યા છે. સીબીઆઈના પ્રવક્તા બનીને આગળ વધી રહ્યા છે. માયાવતીએ કહ્યું હતું કે, ભાજપ પોતાના વિરોધીઓને ભીંસમાં લેવા માટે ખુબ સજ્જ છે. બસપ આંદોલન પણ આના શિકાર તરીકે છે.
લોકસભાની ૮૦માંથી ૬૦ સીટો બસપે ભાજપને આપવાનો ઇન્કાર કરી દેતા તેમને તાજ મામલામાં ફસાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ૨૬મી ઓગસ્ટ ૨૦૦૩ના દિવસે બસપ આંદોલનના વ્યાપક હિતમાં કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા અને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવામાં આવ્યું હતું. અખિલેશને ફોન કરીને સાવધાન રહેવાની પણ સલાહ માયાવતીએ આપી છે.