લખનૌ : બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ આવતીકાલે ઉત્તરપ્રદેશ માટે ગઠબંધનની જાહેરાત કરી શકે છે. તેમના ગઠબંધનને લઇને સત્તાવાર જાહેરાતની રાજકીય વર્તુળોમાં રાહ જાવામાં આવી રહી છે. શનિવારના દિવસે માયાવતી અને અખિલેશ યાદવ પત્રકાર પરિષદ યોજનાર છે. જેમાં મહત્વના નિર્ણયની જાહેરાત કરવામાં આવનાર છે. પત્રકાર પરિષદ આવતીકાલે બપોરે ૧૨ વાગે યોજનાર છે. જેમાં બેઠકોની વહેંચણીના સંબંધમાં પણ જાહેરાત કરવામાં આવી શકે છે. ઉત્તરપ્રદેશની રાજનીતિ માટે આવતીકાલનો દિવસ નિર્ણાયક બની શકે છે.
ઉત્તરપ્રદેશના રાજકીય ઇતિહાસમાં આવુ પ્રથમ વખત થઇ રહ્યુ છે જ્યારે બે દિગ્ગજ નેતા માયાવતી અને અખિલેશ એક સાથે મિડિયાની સામે આવનાર છે. તમામ પત્રકારોને આમંત્રણ આપી દેવામાં આવ્યુ છે. સમાજવાદી પાર્ટીના નેતા રાજેન્દ્ર ચોધરી અને બસપના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચન્દ્ર મિશ્રા તરફથી તમામને આમંત્રણ આપી દેવામાં આવ્યુ છે.આ પહેલા રામ મંદિર આંદોલનના ગાળા દરમિયાન ૧૯૯૩માં સપા અને બસપનાની સાથે મળીને ચૂંટણી લડી હતી.
ત્યારે રાજ્યમાં ગઠબંધન સરકાર બનાવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પાર્ટીને સામેલ ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે કોંગ્રેસ મહાગઠબંધનનો હિસ્સો બનનાર નથી. ઉત્તરપ્રદેશમાં લોકસભાની ૮૦ સીટો રહેલી છે. બંને પાર્ટી ૩૭-૩૭ સીટો પર ચૂંટણી લડી શકે છે.પત્રકાર પરિષદ દરમિયાન કેટલીક અન્ય બાબતોની પણ જાહેરાત કરવામાં આવી શકે છે. જા ગઠબંધન કરાશે તો ૨૫ વર્ષ પહેલાની જીતનુ પુનરાવર્તન થઇ શકે છે.