લખનૌ : પાંચ રાજ્યોમાં પોતાની છાપ છોડવા માટે બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ આક્રમક તૈયારી શરૂ કરી દીધી છે. આવી સ્થિતીમાં આગામી બે મહિના માટે માયાવતી પાંચ રાજ્યોમાં ૩૦ રેલી કરવા માટે તૈયાર છે. રેલી યોજી માહોલ પોતાની પાર્ટીની તરફેણમાં કરવા માટે માયાવતી પ્રયાસ કરનાર છે. પાર્ટીના સુત્રોએ કહ્યુ છે કે માયાવતી આ પાંચ રાજ્યોમાં ૩૦ રેલી કરશે. તેમની રેલીની શરૂઆત નવેમ્બર મહિનાથી શરૂ થશે અને ડિસેમ્બર સુધી ચાલનાર છે.
રાજસ્થાન અને તેલંગણામાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી રેલી ચાલનાર છે. બહુજન સમાજ પાર્ટીના એક નેતાએ માહિતી આપતા કહ્યુ છે કે ચોથી નવેમ્બરના દિવસે માયાવતી છત્તિસગઢમાં પહોંચશે. ત્યાં તેઓ બે રેલી કરનાર છે. બે રેલી પૈકી એક અંબિકાપુરમાં અને બીજી અન્યત્ર જગ્યાએ રહેશે. ત્યાંથી પરત ફરીને માયાવતી ૧૬મી નવેમ્બરના દિવસે ફરી આવશે અને બે દિવસની અંદર અનેક જગ્યાએ રેલી કરશે. છત્તિસગઢ ચૂંટણીમાં માયાવતીની પાર્ટી બહુજન સમાજવાદી પાર્ટીની પૂર્વ મુખ્યપ્રધાન અજિત જાગીની પાર્ટીની સાથે ગઠબંધન છે. છત્તિસગઢ બાદ માયાવતી રાજસ્થાનમાં પણ જનસભા કરનાર છે.
રાજ્યમાં સાતમી ડિસેમ્બરના દિવસે મતદાન યોજનાર છે. તે પહેલા પ્રદેશમાં આઠ રેલી માયાવતી કરનાર છે. મધ્યપ્રદેશમાં માયાવતી ૧૦-૧૨ રેલી કરનાર છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત મિઝોરમમાં પાર્ટી એકલા હાથે ચૂંટણી લડી રહી છે. તેલંગણામાં પાર્ટીએ ૩૫ સીટો પણ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી દીધા છે. છત્તિસગઢમાં બે તબક્કામાં મતદાન યોજાનાર છે. ચૂંટણી પંચે તમામ તૈયારી ચૂંટણીને લઇને કરી લીધી છે.