દેવબંધ : ઉત્તરપ્રદેશના દેવબંધમાં બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી અને લોકદળની આજે પ્રથમ સંયુક્ત રેલી યોજાઈ હતી અને જારદાર શક્તિદર્શનના પ્રયાસો થયા હતા. બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં મુસ્લિમોને કોંગ્રેસ પાર્ટીના ચક્કરમાં ન ફસાવવા અને ભાજપને પરાજિત કરવા માટે ગઠબંધનના ઉમેદવારને મત આપવા અપીલ કરી હતી. માયાવતીએ મોદી અને કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા.
માયાવતીએ કહ્યું હતું કે, મહાગઠબંધનની મહારેલીમાં જે પ્રકારે લોકો પહોંચ્યા છે તેની માહિતી મોદીને મળશે તો તેઓ ભયભીત થઇ જશે અને સરાબ સરાબ સરાબ કરવા લાગી જશે. બસપ નેતાએ કહ્યું હતું કે, જો ચૂંટણી અથવા ઇવીએમમાં કોઇ ગોટાળા કરવામાં નહીં આવે તો બસપા અને ગઠબંધનની જીત થશે. ભાજપના નાના મોટા ચોકીદાર કંઇપણ કરી લે તો પણ તેમની જીત થઇ શકશે નહીં. અચ્છે દિનના વચનો આપીને મોદીએ લોકોને ગેરમાર્ગે દોરી દીધા છે. સરકારી ખજાનાને લૂંટી લેવામાં આવ્યો છે. નોટબંધી અને જીએસટી જેવા નિર્ણયથી બેરોજગારીને પ્રોત્સાન મળ્યું છે. ભાજપના શાસનમાં અનામતની વ્યવસ્થા નબળી બની ગઈ છે.
ભારતીય જનતા પાર્ટી અમીરોને અમીર કરવામાં લાગેલી છે. માયાવતીએ કહ્યું હતું કે, મહાગઠબંધનની ચોક્કસપણે વાપસી થશે. મોદી સરકાર સીબીઆઈ અને ઇડીનો ઉપયોગ કરીને વિરોધીઓને નબળા કરવાના પ્રયાસો કરી રહી છે. ચૂંટણીમાં આપવામાં આવેલા વચનો પૈક એક ચતુર્થાંશ કામ પણ થઇ શક્યા નથી. બસપના વડાએ કહ્યું હતું કે, જા અમારી સરકાર બનશે તો કોઇપણ રાજ્યમાં ખેડૂતો ઉપર દેવું રહેશે નહીં. માયાવતીએ એમ પણ કહ્યું હતું કે, પહેલાની કોંગ્રેસની સરકારની જેમ જ ભાજપ સરકારના વચનો પણ વચનો જ પુરવાર થયા છે. પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ સમુદાયને અપીલ કરતા માયાવતીએ કહ્યું હતું કે, કોંગ્રેસને મત આપવાના બદલે ગઠબંધનને મત આપવાની જરૂર છે. ગઠબંધન ભાજપને ટક્કર આપી શકે છે.
કોંગ્રેસ પાર્ટી એમ માનીને ચાલી રહી છે કે, અમારી જીત થાય કે ન થાય ગઠબંધનના ઉમેદવાર જીતી ન શકે તે જરૂરી છે. આજ કારણસર આવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી રહી છે જેના કારણે ગઠબંધનને નુકસાન થઇ શકે છે. કોંગ્રેસ પાર્ટીએ સહરાનપુરમાં ઇમરાન મસુદને ટિકિટ આપીને મુસ્લિમ મતોને વિભાજિત કરવાના પ્રયાસો કર્યા છે. બસપ નેતાના કહેવા મુજબ ઉત્તરપ્રદેશમાં ભાજપને પરાજિત કરવા માટે મુસ્લિમ સમાજને ગઠબંધનના ઉમેદવારોને મત આપવા પડશે. મોદીની સાથે સાથે યોગીને ભગાડવાની જરૂર છે જેથી મુસ્લિમ સમુદાય તેમની સાથે રહે તે જરૂરી છે. તેમની ખોટી નીતિઓના લીધે કોંગ્રેસ સત્તાની બહાર થઇ છે. કોંગ્રેસની ન્યાય યોજનાથી ગરીબોને કોઇ લાભ થશે નહીં. કેન્દ્રમાં અમારી સરકાર રહેશે તો ગરીબોને સ્થાયી રોજગાર અપાશે.