માયા-યોગીના નિવેદન ઉપર ચૂંટણી પંચ ખુબ જ લાલઘૂમ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી માટે પ્રચાર દરમિયાન અનેક વખત નેતાઓ આડેધડ નિવેદનબાજી કરી દે છે અને તમામ સીમાઓ તોડી નાંખે છે. આ વખતે ચૂંટણી પંચે કઠોર આચારસંહિતા પાળીને લાલઆંખ કરી છે જેના કારણે અનેક દિગ્ગજાને પણ નોટિસ ફટકારવામાં આવી છે. ચૂંટણી પંચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બસપના વડા માયાવતીને પણ નોટિસ ફટકારી છે અને તેમના નિવેદનો ઉપર નોટિસ આપીને સ્પષ્ટકરણની માંગ કરી છે. બંને નેતાઓના નિવેદનો સાંપ્રદાયિક હોવાની વાત કરવામાં આવી છે. બંનેના નિવેદન સાંપ્રદાયિક હોવાના આક્ષેપ બાદ ચૂંટણી પંચે આની ગંભીર નોંધ લીધી છે. માયાવતીએ મુસ્લિમોને સપા અને બસપા ગઠબંધનની તરફેણમાં મત આપવા અપીલ કરી છે.

બીજી બાજુ એમ પણ કહ્યું છે કે, જા તેઓ કોંગ્રેસને મત આપશે તો તેમના મત વિભાજિત થઇ જશે. માયાવતીનું કહેવું છે કે, તેઓ એક ખુલ્લી અપીલ કરવા માંગે છે. ભાજપ સામે કોંગ્રેસ નહીં બલ્કે ગઠબંધનની લડાઈ છે. કોંગ્રેસ ઇચ્છે છે કે, ગઠબંધનની જીત થઇ શકે નહીં. કોંગ્રેસ પાર્ટી આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની મદદ કરી રહી છે. મેરઠમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ૯મી એપ્રિલના દિવસે યોગી આદિત્યનાથ દ્વારા આપવામાં આવેલા ભાષણને લઇને નોટિસ ફટકારી છે.

યોગીએ પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, સપા અને બસપાને અલીમાં વિશ્વાસ છે જ્યારે અમને બજરંગબલીમાં વિશ્વાસ છે. ચૂંટણી પંચે પ્રાથમિક તપાસ બાદ યોગી આદિત્યનાથ નિવેદનને પણ આચારસંહિતાના ભંગ તરીકે ગણીને નોટિસ ફટકારી છે.  હવે બંનેને જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.

Share This Article