લખનૌ : ઉત્તરપ્રદેશમાં પોતાની ગુમાવેલી તાકાત અને સત્તામાં વાપસી માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીએ ગઠબંધન કર્યુ ત્યારે એમ લાગી રહ્યુ હતુ કે ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં પાર્ટી જોરદાર દેખાવ કરશે. જો કે તેમની તમામ યોજના પર પાણી ફરી વળ્યુ હતુ. ૮૦ લોકસભા સીટ પર એકલા હાથે ચૂંટણી લડનાર કોંગ્રેસ પાર્ટીના પણ સુપડા સાફ થઇ ગયા છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ અને બહુજન સમાજવાદી પાર્ટી તેમજ સમાજવાદી પાર્ટીનો સફાયો થયા બાદ દિગ્ગજ નેતાઓ સોશિયલ મિડિયાથી એકાએક ગાયબ થઇ ગયા છે. ટ્વિટર પર તેમની કોઇ પ્રતિક્રિયા આવી રહી નથી.
ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ વિપક્ષી દળોની હાલત હવે એવી બની ગઇ છે કે સોશિયલ મિડિયાથી પણ દુર ભાગી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની નિતીઓના કારણે તેમની હાલત કફોડી બની ગઇ છે. બહુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખ માયાવતીએ ૧૭મી મે બાદ કોઇ પણ ટિપ્પણી ટ્વીટર પર કરી નથી. પહેલા મોદી અને ભાજપ સામે ટિપ્પણી કરતા રહેતા હતા. જો કે હવે એકાએક ગાયબ થઇ ગયા છે. મોદીના ટિકાકારોમાં સામેલ રહેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાઢેરા તરફથી ૨૦મી મે બાદ ટ્વિટર પર કોઇ પ્રતિક્રિયા આવી નથી. પોતાના છેલ્લા પોસ્ટમાં પ્રિયંકા વાઢેરાએ પિતા રાજીવ ગાંધીની સાથે એક ફોટો શેયર કર્યો છે.
ટ્વિટમાં પ્રિયંકાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ છે કે તમામ લોકોના સાથ સહકારના કારણે જોરદાર પ્રચાર કામગીરી પૂર્ણ થઇ શકી છે. ૨૩મી મેના દિવસે ન્યાય અને જનતાની જીત નિશ્ચિત દેખાઇ રહી છે. પ્રિયંકા પોતે ચૂંટણી મેદાનમાં રહ્યા ન હતા. ડિમ્પલે તો હારને કબુલી લઇને પાર્ટીની સ્થિતીને ફરી મજબુત કરવાની વાત કરી છે.