બે હજારથી વધુ સ્થાનિક યુવાધનને રોજગાર અવસરો મળશે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદના સાણંદમાં મેકસિસ રબર ઇન્ડિયાના નવતર ટાયર-ટયૂબ પ્લાન્ટનું લોકાર્પણ કરતાં રાજ્યમાં ઓટોમોબાઇલ ક્ષેત્રે બે અબજ ડોલર કરતાં વધુનું રોકાણ થયું હોવાનું ગૌરવ સહ જણાવ્યું હતું.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં આવેલા કુલ વિદેશી મૂડીરોકાણોમાં ઓટોમોબાઇલ ક્ષેત્ર ૧પ ટકાનો હિસ્સો ધરાવે છે. ર૦૧૬-૧૭ના વર્ષમાં ભારતની વાહનોની નિકાસમાં ગુજરાતનો ફાળો ૧૦ ટકા રહ્યો છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
તાઇવાનની અતિ પ્રતિષ્ઠિત કંપની મેકસિસ રબરે પોતાના ઉત્પાદન એકમ માટે ગુજરાતની પસંદગી કરી તેને આવકારતાં મુખ્યમંત્રીએ વિશ્વાસ દર્શાવ્યો કે, ભારત-તાઇવાન સંબંધો વધુ સુદ્વઢ કરવામાં ગુજરાત નિર્ણાયક બનશે.
મુખ્યમંત્રીએ મેકસિસ રબરનો આ નવિન પ્લાન્ટ રોજના ર૦ હજાર ટાયર અને ૪૦ હજાર ટયૂબ ઉત્પાદનની ક્ષમતા સાથે ર હજારથી વધુ સ્થાનિક યુવાઓને રોજગાર અવસરો ઘર આંગણે પૂરા પાડશે તે માટે અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે કહ્યું કે, સાણંદ, માંડલ, બેચરાજી, હાલોલ અને રાજકોટ હવે ભારતના ઓટોમોટિવ મેન્યૂફેકચરીંગ કલસ્ટર્સ તરીકે ઉભરી રહ્યા છે ત્યારે મેકસિસના આગમનથી ટાયર-ટયૂબ ઉત્પાદન ક્ષેત્રે પણ ગુજરાતનો દબદબો છવાશે.
વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં ર૧ જેટલી વિવિધ પ્રોત્સાહક પોલિસીઓને પરિણામે અનેક ઊદ્યોગો આવી રહ્યા છે અને ગુજરાત લેન્ડ ઓફ ઓર્પોચ્યુનીટીઝ બન્યુ છે તેની વિશદ છણાવટ કરી હતી. તેમણે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ સિકયોરિટી ગુજરાતમાં છે તેમ પણ ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ મેકસિસ રબર પોતાના રિસર્ચ-ડેવલપમેન્ટ દ્વારા ગુજરાતમાં રબરની ખેતી માટે ઇનિશિયેટિવ લે તો રાજ્ય સરકારના સહયોગની તત્પરતા વ્યકત કરી હતી.
મેકસિસ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ યુત ચેંગ-યાઓ લિયાઓએ આ પ્રસંગે જણાવ્યું કે, મેકસિસ ગ્લોબલ આગામી ર૦ર૬ સુધીમાં વિશ્વના ટોચના પાંચ ટાયર ઉત્પાદકોમાં સ્થાન મેળવવાના લક્ષ્યાંક સાથે કાર્યરત છે.
ગુજરાતનો આ પ્લાન્ટ તે લક્ષ્યાંક સિધ્ધ કરવા સાથે પ્રધાનમંત્રીની ‘મેઇક ઇન ઇન્ડીયા’ સંકલ્પનાને પણ સાકાર કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
૧૦૬ એકરમાં ફેલાયેલો આ પ્લાન્ટ ૪૦૦ મિલિયન યુ.એસ.ડોલર્સના રોકાણથી શરૂ થયો છે અને ભારતમાં આ પ્રકારનો પ્રથમ પ્લાન્ટ છે તેમ પણ યતુ ચેંગ-યાઓ લિયાઓએ જણાવ્યું હતું.
મેકસિસ ઇન્ડિયાના પ્રવકતા જિયા-શિઆયો લિઓયુ (ગેરી) એ સાણંદનો આ પ્લાન્ટ મિકસીંગથી લઇને ટાયર બિલ્ડીંગ અને કયોરિંગ સુધીની બધી જ સુવિધાઓ અન્ડર વન અમ્બ્રેલા પૂરી પાડે છે તેનો હર્ષ વ્યકત કરી રાજ્ય સરકારના પ્રોત્સાહક અભિગમની પ્રસંશા કરી હતી.
મેકસિસ ગ્રુપના ચેરમેન યુત ત્સાઇ જેન-લો સહિત અગ્રણી ઉત્પાદકો આમંત્રિતો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મેકસિસ રબર ઇન્ડિયા દ્વારા રૂ. પાંચ લાખનો ચેક સ્વચ્છતા નિધિ માટે અર્પણ કરાયો હતો.