અમદાવાદ : અમદાવાદ શહેર-જિલ્લામાં અંતિમ મતદાર યાદી મુજબ કુલ પ૪,૯પ,૮પ૯ મતદાર નોંધાયેલા છે. જેમાં ૧૮-૧૯ વર્ષના કુલ ૧,૦૧,રર૭ મતદારો આ લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરશે. જેમાં ઘાટલોડિયામાં સૌથી વધુ ૩,૭૬,૧પ૯ મતદાર તો બાપુનગરમાં સૌથી ઓછા ૧,૯૪,૭ર૩ મતદાર નોંધાયા છે. દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડે દ્વારા આજથી મતદાન જાગૃતિ ઝુંબેશ હેઠળ વાહનો પર સ્ટીકર લગાવાયાં હતાં અને આ ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. અમદાવાદ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડેએ તમામ નાગરિકોને અચૂક પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જાહેર અનુરોધ કર્યો હતો અને લોકશાહીમાં મતદાનની પવિત્ર ફરજ આ પ્રસંગે સમજાવી હતી.
લોકસભાની આગામી તા.ર૩ એપ્રિલે યોજાનારી ચૂંટણી આડે હવે જ્યારે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે જિલ્લા કલેકટરના હોદ્દાની રૂએ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડે દ્વારા મતદારોમાં મતદાન જાગૃતિ કેળવવા શહેર-જિલ્લાની શાળા-કોલેજો, સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત અનેક સ્થળોએ ચૂંટણીમાં અચૂક મતદાન માટેના જન જાગૃતિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. મતદાન જન જાગૃતિ કાર્યક્રમ હેઠળ આજે સવારે જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડે દ્વારા શાહીબાગના ડફનાળા ચાર રસ્તા પાસે વાહનો પર સ્ટીકર લગાવવાની ઝુંબેશનો પ્રારંભ કરાયો હતો.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અમદાવાદના એક પણ મતદાર રહી ન જાય તે સૂત્ર હેઠળ આંગળીના ટેરવા પર મતદાન કર્યાનું પ્રતીક દર્શાવતું શાહીનું ટપકું અને તેની નીચે સુગમ નિર્વાચન-ર૦૧૯,ગુજરાત તેમજ તા.ર૩ એપ્રિલ, ર૦૧૯ મંગળવારનો મતદાન દિવસ દર્શાવતી માહિતી ધરાવતા સ્ટીકર તૈયાર કરાયાં છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર અમદાવાદ જિલ્લામાં પાંચ લાખ જેટલાં વાહનો પર મતદાન જાગૃતિ કેળવતા સ્ટીકર લગાવવાનું આયોજન છે. જેમાં જિલ્લા વહીવટી તંત્રના વિવિધ ઉચ્ચ અધિકારીઓ અલગ અલગ સ્થળોએથી ઝુંબેશમાં જોડાશે. જિલ્લા કલેકટર દ્વારા સમગ્ર જિલ્લાના મતદારોને તા.૨૩મીએ લોકસભા ચૂંટણીમાં અવશ્ય અને અચૂક મતદાન કરવા અને લોકશાહીમાં મતદાનની પવિત્ર ફરજ નિભાવવા અનુરોધ કર્યો હતો.