સુરત: સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. માર્કેટની અનેક દુકાનો આગની ચપેટમાં આવી. આગ બેકાબૂ બનતા ધુમાડા દૂર – દૂર સુધી દેખાયા હતા.
સતત બીજા દિવસે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. માર્કેટમાં ગઇકાલે પણ આગનો બનાવ બન્યો હતો. આગ લાગવાની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારબાદ બુધવારે બીજા દિવસે પણ માર્કેટમાં આગ લાગવાની ઘટના બની. આગ વિકરાળ બનતા ચોથા માળ સુધી પ્રસરી જતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળ પર પંહોચ્યો. માર્કેટમાં અનેક દુકાનો આગને લપેટમાં આવતાં ૧૦થી વધુ ફાયરના વાહનો દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાયા. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલ આગમાં કરોડો રુપિયાનું નુકસાન થયુ હોવાનો અંદાજ છે.
સુરતના શિવશક્તિ ટેકસટાઇલ માર્કેટ એક ગીચ વિસ્તારમાં આવેલ છે. માર્કેટમાં વધુ દુકાનો આવેલ હોવાથી દરરોજ હજારો લોકોની અવરજવર રહેતી હોય છે. અને સતત માલસામાન હેરફેર થતો રહે છે. ટેકસટાઇલ માર્કેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. શિવશક્તિ ટેકસટાઇલ માર્કેટ ગીચ વિસ્તારમાં આવેલ હોવાથી ત્યાં ચાલવું પણ મુશ્કેલ હોય છે ત્યારે આગ પર કાબુ મેળવવા ફાયર ફાઇટરો માટે માથાનો દુખાવો બન્યો છે. કારણે કોઈપણ વ્યક્તિએ આ વિસ્તારમાંથી પસાર થવું હોય તો બહુ સમય લાગે છે ત્યારે ગીચ વિસ્તારમાં ફાયરબ્રિગેડની ગાડીઓ અંદર કેવી રીતે લઈ જવી તે પણ મોટો પ્રશ્ન રહે છે. માર્કેટના આ રસ્તાથી થઈ સુરત રેલવે સ્ટેશન જવાય છે એટલે સ્વાભાવિક રીતે ત્યાં ટ્રાફિક વધુ રહે. અને એટલે જ આગ લાગવાની ઘટના સામે આવ્યા બાદ ફાયરબ્રિગેડની ટીમ સાથે પોલીસ પણ ઘટનાસ્થળ પર પંહોચી ગઈ હતી.