મોન્ટેનેગ્રો : યુરોપિયન દેશ મોન્ટેનેગ્રોમાં નવા વર્ષ નિમિત્તે એક વ્યક્તિએ બારમાં ફાયરિંગ કરીને તેના જ પરિવારના સભ્યો સહિત 10 લોકોની હત્યા કરી નાખી. માર્યા ગયેલાઓમાં તેના પરિવારના સભ્યો ઉપરાંત બાર માલિક અને તેનાં બે બાળકો પણ સામેલ છે. ચાર લોકો ઘાયલ પણ થયા છે. આરોપી હુમલાખોરની ઓળખ 45 વર્ષીય અકો માર્ટિનોવિક તરીકે થઈ છે, જે હુમલા બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તેને પકડવા માટે પોલીસે વિસ્તારના તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતા અને તેની શોધખોળ શરૂ કરી હતી.
જોકે, બાદમાં જાણવા મળ્યું હતું કે આરોપી હુમલાખોરે આત્મહત્યા કરી હતી. માર્ટિનોવિક તેના મહેમાનો સાથે બારમાં હાજર હતો. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બારમાં ઝઘડાથી શરૂ થઈ હતી. ઝઘડા બાદ તે ઘરે ગયો અને ત્યાંથી હથિયારો લાવ્યો. આ પછી તેણે સ્થાનિક સમય અનુસાર સાંજે સાડા પાંચ વાગ્યે ફાયરિંગ કરીને ધડાઘડ ગોળીઓ વરસાવી હતી. તેણે બારમાં કરેલા ફાયરિંગમાં 4 લોકોના મોત થયા હતા. બારમાલિક અને તેનાં બે બાળકો માર્યા ગયાં. આ પછી તે અન્ય ત્રણ જગ્યાએ ગયો અને ગોળીબાર કર્યો, જેમાં અન્ય લોકોની હત્યા કરી. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર પોલીસ ફાયરિંગ પાછળ પારિવારિક સંબંધોને કારણ માની છે. આ હુમલા બાદ સરકારે ગુરુવારથી ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.
મોન્ટેનેગ્રોના વડાપ્રધાન મિલોજ્કો સ્પાજિકે ગોળીબારને ભયાનક દુર્ઘટના ગણાવી હતી. હુમલામાં ઘાયલ થયેલા લોકોની હાલત પણ નાજુક છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલાખોર માર્ટિનોવિકનો ગુનાહિત રેકોર્ડ છે. ગેરકાયદેસર હથિયાર રાખવા બદલ તેને સજા પણ થઈ હતી, જેની સામે તેણે કોર્ટમાં અપીલ પણ કરી હતી. 1 જાન્યુઆરીએ અમેરિકાના લુઇસિયાના રાજ્યના ન્યૂ ઓર્લિયન્સ શહેરમાં એક વ્યક્તિએ નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકો પર પીકઅપ ટ્રક ચડાવી દીધી હતી. આમાં 15નાં મોત થયાં હતાં, જ્યારે ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ભારતીય સમય અનુસાર બપોરે ૩ વાગ્યે બની હતી. આ સમયે ન્યૂ ઓર્લિયન્સમાં રાતના 3.15 વાગ્યા હતા. શહેરની સૌથી વ્યસ્ત બોર્બન સ્ટ્રીટ પર હજારો લોકો ઉજવણી કરી રહ્યા હતા. અચાનક એક ટ્રકે ભીડને કચડી નાખી હતી. આ પછી હુમલાખોર પીકઅપ ટ્રકમાંથી બહાર આવ્યો અને લોકો પર ફાયરિંગ શરૂ કરી દીધું. જવાબી કાર્યવાહીમાં પોલીસે પણ ગોળીબાર કર્યો, જેમાં હુમલાખોર માર્યો ગયો. આ એન્કાઉન્ટરમાં બે પોલીસકર્મી પણ ઘાયલ થયા છે.