ફરી એકવાર કાશ્મીરમાં પંડિતોની હાલત દયનીય બની
કાશ્મીરમાં હાલ ઉથલપાથલ મચેલી છે. રામબનથી કાશ્મીરી પંડિતો ઘર છોડીને જઈ રહ્યા હોવાના અહેવાલ છે. આ લોકો કાશ્મીરમાં કામ કરતા હતા. રામબન જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવેનો સેન્ટ્રલ પોઈન્ટ છે. કાશ્મીરી પંડિતો આ વર્ષે ૯ જૂને થનારા ખીર ભવાની મેળાનો પણ વિરોધ કરવાના છે. કાશ્મીરી પંડિતો માટે આ મુખ્ય તહેવાર હોય છે. જેને ધાર્મિક સદભાવ અને કાશ્મીરીયતનું પ્રતિક ગણવામાં આવે છે. તેની વ્યવસ્થા માટે મુસ્લિમો પણ મદદ કરે છે.
બેંક મેનેજર વિજયકુમારની હત્યાની જવાબદારી કાશ્મીર ફ્રીડમ ફાઈટર્સ નામના સંગઠને લીધી છે. જેના પ્રવક્તા વસીમ મીરે નિવેદન બહાર પાડીને ધમકી આપી છે કે કાશ્મીરની વસ્તીમાં ફેરબદલની કોશિશ કરવાનું આ જ પરિણામ આવશે. ગુરુવારે વધુ બેંક મેનેજર વિજયકુમારની હત્યા બાદ કાશ્મીરી પંડિતોએ ઈમરજન્સી બેઠક બોલાવી જેમાં ર્નિણય લેવાયો કે કાશ્મીર ખીણના જે પણ વિસ્તારોમાં કાશ્મીરી પંડિતોનું પ્રદર્શન ચાલુ હતું તે તાકીદે બંધ કરવામાં આવશે. કાશ્મીરના લઘુમતી સમુદાય સામે હવે પલાયન સિવાય કોઈ રસ્તો નથી.
કાશ્મીરમાં આતંકીઓએ ગુરુવારે એક જ દિવસમાં ટાર્ગેટ કિલિંગની બે ઘટનાઓને અંજામ આપ્યો. પહેલા કુલગામમાં બેંક મેનેજર વિજયકુમારની ગોળી મારી હત્યા કરી અને ત્યારબાદ બડગામમાં મજૂરો પર ફાયરિંગ કર્યું જેમાં એકનું મોત થયું અને એક ઈજાગ્રસ્ત થયો. જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓને કારણે સતત શાંતિ ડહોળાઈ રહી છે. બગડતી સ્થિતિના પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક હાઈ લેવલની બેઠક યોજી. અમિત શાહની અધ્યક્ષતામાં થઈ રહેલી આ મહત્વની બેઠકમાં NSA અજીત ડોભાલ પણ સામેલ થાય તેવી શક્યતા છે.
ઉપરાજ્યપાલ મનોજ સિન્હા, કેન્દ્ર સરકાર અને જમ્મુ કાશ્મીરના ટોચના અધિકારીઓ પણ સામેલ થઈ શકે છે. જમ્મુ અને કાશ્મીરમાં હાલ આતંકીઓ ટાર્ગેટ કિલિંગ કરીને નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. એક જ મહિનામાં ૯ લોકો ટાર્ગેટ કિલિંગની ઘટનાઓનો ભોગ બન્યા છે. જેના કારણે હિન્દુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હવે પીઠ પાછળ વાર કરતા આતંકીઓની આ કાયરતાપૂર્ણ હરકતો બાદ આજથી કાશ્મીરી પંડિતોએ કાશ્મીર ઘાટીમાંથી એકસાથે પલાયન કરવાની જાહેરાત કરી છે.