મસુદ મુદ્દે ચીન ઝુક્યું : ચર્ચા દ્વારા સમસ્યાનો ઉકેલ લવાશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બેજિંગ : આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદના લીડર મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવને લઇને ચીને હવે હળવું વલણ અપનાવ્યું છે. આ મુદ્દા ઉપર પોતાના અગાઉના વલણની બિલકુલ અલગ વલણ ચીને અપનાવ્યું છે. ચીને કહ્યું છે કે, આ વિવાદને યોગ્યરીતે ઉકેલવાના પ્રયાસ કરવામાં આવશે. જો કે, ચીને આના માટે કોઇ સમય મર્યાદા નક્કી કરી નથી. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને ચીનના પ્રવાસના એક દિસ બાદ ભારતના પડોશી દેશને લઇને આ મત રજૂ કર્યો છે. આ પહેલા ચીને અનેક વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવ પર વિટોનો ઉપયોગ કર્યો હતો. ચીનના વાંધાના કારણે જ મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરી શકાયો નથી.

ચીને માર્ચમાં ચોથી વખત પ્રસ્તાવ ઉપર પ્રતિબંધ મુકી દીધો હતો. જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કાફલા પર હુમલો કરવામાં આવ્યા બાદ આતંકવાદી હુમલામાં જૈશનું નામ સપાટી ઉપર આવ્યું હતું. અમેરિકા, ફ્રાંસ અને બ્રિટને આને લઇને પ્રસ્તાવ તૈયાર કર્યો હતો પરંતુ ચીને આ મુદ્દા ઉપર જિદ્દી વલણ અપનાવીને કહ્યું હતું કે, આને લઇને યોગ્ય રસ્તો કાઢવામાં આવશે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે, યોગ્ય રસ્તો શોધી કાઢવાના પ્રયાસ થઇ રહ્યા છે.

ચીને વાંધો ઉઠાવ્યા બાદ અમેરિકા, ફ્રાંસ અને બ્રિટને તેના ઉપર જારદાર દબાણ લાવ્યું હતું. સુરક્ષા પરિષદે પણ આની ગંભીર નોંધ લીધી હતી. આખરે ચીનને ઝુંકવાની જરૂર પડી રહી છે. આગામી દિવસોમાં મસુદ પર કાર્યવાહી કરવાનો તખ્તો તૈયાર કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે. ભારતની મોટી રાજદ્વારી જીત તરીકે પણ આને જાવામાં આવે છે. ચીન અને પાકિસ્તાનનું વલણ  હંમેશા ભારતથી બિલકુલ વિરુદ્ધ રહ્યું છે.

Share This Article