નવી દિલ્હી : ત્રાસવાદી સંગઠન જેશે મોહમ્મદના લીડર મસુદ અઝહરના મોતના અહેવાલ વચ્ચે જુદા જુદા હેવાલ આવી રહ્યા છે. હવે એવા હેવાલ આવ્યા છે કે મોતના અહેવાલ અને અફવા વચ્ચે પાકિસ્તાની સેનાએ તેને ગઇકાલે સાંજે સાત વાગ્યાની આસપાસ મસુદને રાવલપિંડી સ્થિત બેઝ હોસ્પિટલામાંથી બહાવલપુરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. સુત્રોએ કહ્યુ છે કે જે વખતે અઝહરના મોતના હેવાલ આવી રહ્યા હતા ત્યારે પાકિસ્તાની સેનાએ તેને ગૌથ ગની સ્થિત જેશના કેમ્પમાં શિફ્ટ કરી દીધો હતો. મોતના અહેવાલ વચ્ચે જેશે મસુદ જીવિત હોવાનો દાવો કર્યો છે. જેશે નિવેદન જારી કરીને કહ્યુ છે કે તે જીવિત છે.
જેશે બાલાકોટ સ્થિત ટ્રેનિંગ સેન્ટર પર ભારત દ્વારા કરવામાં આવેલા હુમલાની વાત પણ સ્વીકારી લીધી છે.પંજાબના બહાવલપુરના નિવાસી મૌલાના મસુદ અઝહરે ૨૦૦૦માં જૈશની રચના કરી હતી. ૫૦ વર્ષીય મસૂદને ઇન્ડિયન એરલાઈન્સના આઈસી ૮૧૪ વિમાન અને બાનમાં લેવામાં આવેલા ભારતીય યાત્રીઓના બદલે એ વખતની સરકારને છોડવાની ફરજ પડી હતી. ૨૦૦૧માં સંસદ પર અને જમ્મુ કાશ્મીર વિધાનસભામાં આત્મઘાતી હુમલા, પઠાણકોટ એરબેઝ હુમલામાં તે મુખ્ય ભેજાબાજ તરીકે રહ્યો છે.
મોતને લઇને બે પ્રકારના દાવા થઇ રહ્યા છે જે પૈકી એકમાં જણાવવામાં આવ્યું છે કે, લીવર કેન્સરના કારણે તેનું મોત થઇ ગયું છે જ્યારે બિન સત્તાવાર અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય હવાઈ દળના હુમલામાં તેનું મોત થયું છે. એવો પણ દાવો કરાયો હતો કે, આ હુમલામાં મસુદ ગંભીરરીતે ઘાયલ થયો હતો ત્યારબાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનુ મોત થયુ હતુ.