નવીદિલ્હી : પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં સીઆરપીફના ૪૦ જવાનો શહીદ થયા બાદ તેના જવાબરૂપે ભારતે પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી માર્યા બાદ પાકિસ્તાન હચમચી ઉઠ્યુ છે. પાકિસ્તાને હવે ત્રાસવાદીઓના આકાઓને બચાવી લેવા કેટલાક નવા પગલા લીધા છે. એકબાજુ પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ મસુદ અઝહરને પાકિસ્તાની આર્મી હોસ્પિટલમાંથી ખસેડી લેવામાં આવ્યો છે. તેને હવે સુરક્ષિત અડ્ડા પર લઇ જવામાં આવ્યો છે. જ્યાં તેના ત્રાસવાદીઓ તેને સુરક્ષા આપી રહ્યા છે.
બીજી બાજુ ભારતના નંબર વન દુશ્મન અને જમાત ઉદ દાવાના લીડર હાફિજ સઇદની સુરક્ષા વ્યવસ્થા ખુબ મજબુત કરી દેવામાં આવી છે. અમેરિકા અને ભારતની સામે હાલમાં ઝેર ફેલાવી રહેલા સઇદની સુરક્ષા માટે લશ્કરે તોયબાએ મોટી ફૌજ ઉતારી દીધી છે. ભારતમાં અનેક હુમલા માટે જવાબદાર રહેલા માસ્ટરમાઇન્ડ કુખ્યાત હાફિજની સુરક્ષા માટે તોયબાએ એક ખાસ સિક્યુરિટી ટીમ બનાવી લીધી છે. મિડિયા રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો સઇદની સુરક્ષા માટે તોયબાની ખાસ ટીમ તૈનાત છે. એજન્ટોને આધુનિક હથિયારો અને વિસ્ફોટકો સાથે તૈનાત કરવામાં આવ્યા છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે એલટીટીઇના ખાસ તાલીમ પામેલા ખાસ એજન્ટો ગોઠવી દેવામાં આવ્યા છે. હાફિજની સુરક્ષા માટે ૨૪ કલાક જવાનો તૈનાત રાખવામાં આવ્યા છે. જા હાફિજ લાહોરની બહાર કોઇ જગ્યાએ જાય છે તો લશ્કરે તોયબાની ટીમ પણ તેની સાથે જાય છે.
હાફિજ સઇદ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ગુજરાનવાલા પહોંચી ગયો છે. પાકિસ્તાનમાં પ્રમુખ અને વડાપ્રધાન જેવી સુરક્ષા તેને હાલમાં આપવામાં આવેલી છે. પાકિસ્તાનમાં સુરક્ષિતરીતે હાફિઝ સઇદ છુપાયેલો છે. મુંબઈના ભીષણ ત્રાસવાદી હુમલામાં માસ્ટરમાઇન્ડ તરીકેની ભૂમિકામાં હાફિઝ સઇદ રહ્યો હતો. મુંબઈ હુમલામાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. હાફિઝ સઇદને જે પ્રકારની સુરક્ષા મળી રહી છે તે જોતા કહી શકાય છે કે, પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ બિલકુલ સુરક્ષિતરીતે છુપાયેલા છે. જો કે ભારતની ચાંપતી નજર કેન્દ્રિત છે.