ક્રાઇસ્ટચર્ચ : ન્યુઝીલેન્ડે ક્રાઇસ્ટચર્ચ ખાતે રમાયેલી બીજી વનડે મેચમાં આજે પ્રવાસી બાંગ્લાદેશ પર આઠ વિકેટે સરળ જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે ૨૨૬ રન કર્યા હતા. જવાબમાં ન્યુઝીલેન્ડે માત્ર ૩૬.૧ ઓવરમાં બે વિકેટ ગુમાવીને આ રન બનાવી લીધા હતા. માર્ટિન ગુપ્ટિલ હાલમાં જારદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. ગુપ્ટિલે બાંગ્લાદેશ સામેની બીજી મેચમાં પણ આજે સદી કરી હતી. ગુપ્ટિલે તોફાની બેટિંગ કરતા ૮૮ બોલમાં ૧૪ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી ૧૧૮ રન કર્યા હતા. મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવેલા માર્ટિન ગુપ્ટિલે આ વર્ષમાં ત્રીજી વનડે સદી ફટકારી હતી. ગુપ્ટિલે આ વર્ષમાં પોતાની પ્રથમ મેચ ત્રીજી જાન્યુઆરીના દિવસે શ્રીલંકા સામે રમી હતી.
આ મેચમાં ગુપ્ટિલે ૧૩૯ બોલમાં ૧૧ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ૧૩૮ રન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશની સામે જારી ત્રણ મેચો પૈકી બંને મેચોમાં ગુપ્ટિલે સદી ફટકારી છે. પહેલી મેચમાં ગુપ્ટિલ ૧૧૬ બોલમાં આઠ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ ૧૧૭ રન કર્યા હતા. આ મેચ નેપિયરમાં રમાઇ હતી. જા કે રોચક બાબત એ છે કે ગુપ્ટિલે આ વર્ષે તમામ મેચો ઘરઆંગણે જ રમી છે. ગુપ્ટિલ આ વર્ષે જારદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તે આ વર્ષે હજુ સુધી નવ વનડે મેચો રમી શક્યો છે.
ગુપ્ટિલે આ મેચોમાં ત્રણ સદી સાથે ૪૩૫ રન કર્યા છે. તેની સરેરાશ ૫૪ રનથી વધારેની રહી છે. જ્યારે સ્ટ્રાઇક રેટ તો ૧૦૬થી વધારે છે. ગુપ્ટિલે આ મેચોમાં ૪૦ ચોગ્ગા અને ૧૫ છગ્ગા લગાવ્યા છે. વર્ષ ૨૦૧૯માં હજુ સુધ સૌથી વધારે રન બનાવનારમાં ન્યુઝીલેન્ડના બેટ્સમેનોનો કબજા રહ્યો છે. રોસ ટેલરે ૧૦ મેચોમાં ૫૩૪ રન કર્યા છે. વિલિયમસને ૧૦ મેચોમાં ૩૭૦ રન કર્યા છે. ચોથા નંબર પર રોહિત શર્મા છે. રોહિતે આઠ મેચોમાં ૩૫૪ રન કર્યા છે.