પરણિતાને લગ્નની લાલચ આપી આચર્યું દુષ્કર્મ, મહિલાએ છૂટાછેડા લેતા ફરી ગયો શખ્સ

Rudra
By Rudra 1 Min Read

આણંદમાં રહેતી પરિણીતાને કુટુંબી સગાએ લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં પરિણીતાએ છુટાછેડા લઈ લેતા શખ્સે લગ્ન કરવાની ના પાડી તેણી સાથે સંપર્ક તોડી નાખ્યો હતો. આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો નોંધી શખ્સને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

આણંદમાં રહેતી યુવતીના લગ્ન ગાંધીધામમાં રહેતા યુવક સાથે થયાં હતાં. જોકે, પતિ કોઈ કામધંધો કરતો ન હતો તેમજ બંને વચ્ચે મનમેળ ન હોવાથી પરિણીતા પોતાના પાંચ વર્ષના દીકરા સાથે આણંદમાં રહેવા આવી ગઈ હતી. આ દરમિયાન તેના સાસરી પક્ષના કુટુંબી ગૌરવદાન અજીતદાન ગઢવી સાથે સંપર્ક ચાલુ રાખ્યો હતો. ત્યારે મારે પત્ની નથી અને એક 11 વર્ષનો પુત્ર છે, તારે પણ પાંચ વર્ષનો પુત્ર છે. જેથી તું પતિ સાથે છુટાછેડા લઈ લે ત્યારબાદ આપણે લગ્ન કરી લઈશું તેવી ગૌરવે પરિણીતાને લાલચ આપી હતી.

બાદમાં શખ્સે અવારનવાર આણંદ આવી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેવામાં તા. 19 સપ્ટેમ્બર 2023ના રોજ પરિણીતાએ પતિ સાથે નોટરી કરારથી છુટાછેડા લીધા હતા. ત્યારબાદ ગૌરવને લગ્ન કરવા માટે જણાવતા તેણે, આપણું ગોત્ર એક જ છે જેથી લગ્ન થઈ શકે નહીં તેમ જણાવી પરિણીતા સાથેનો સંપર્ક કાપી નાખ્યો હતો. આ અંગે પરિણીતાની ફરિયાદના આધારે આણંદ શહેર પોલીસે ગૌરવદાન ગઢવી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article