અમદાવાદ : સૌરાષ્ટ્રમાં ભાવાન્તર યોજના લાગુ કરવા માટે ચાલી રહેલી સૌરાષ્ટ્રના ૨૫થી વધુ માર્કેટ યાર્ડોમાં આજે સતત ૪થા દિવસે હડતાળ યથાવત્ રહી હતી. દિવાળીના તહેવારોમાં સૌપ્રથમવાર સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડોમાં હડતાળનો સન્નાટો અને કામગીરી ઠપ્પનો માહોલ છવાઇ રહ્યો છે. સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડના વેપારીઓ ભાવાન્તરની લડત મુદ્દે મક્કમ હોઇ હવે સરકારની સામેની લડતમાં રાજયના અન્ય માર્કેટ યાર્ડોને પણ જાડવાની વિચારણા શરૂ કરવામાં આવી છે, જે અંગે આગામી દિવસમાં બેઠકોનો દોર યોજાય તેવી પણ શકયતા છે. બીજીબાજુ, દિવાળી તાકડે માર્કેટ યાર્ડોની હડતાળને પગલે ખેડૂતોની હાલત ભારે કફોડી બની રહી છે. આજે સતત ૪થા દિવસે માર્કેટ યાર્ડોની તમામ કામગીરી ઠપ્પ રહી હતી. જેન પગલે કરોડો રૂપિયાના વ્યવહારો અટકી પડયા છે. હડતાળના આજે ૪થા દિવસે પણ રાજય સરકાર તરફથી કોઇ હકારાત્મક પ્રતિસાદ નહી સાંપડતાં માર્કેટ યાર્ડના વેપારીઓ અને એપીએમસી ટ્રેડર્સના આગેવાનો પોતાની લડત પર અડગ રહ્યા છે. જયાં સુધી મુખ્યમંત્રી ભાવાન્તર મુદ્દે વાતચીત નહી કરે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ ચાલુ રાખવાની સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે ત્યારે હવે લડતને વધુ ઉગ્ર અને અસરકારક બનાવવા સૌરાષ્ટ્ર ઉપરાંત રાજયના અન્ય જિલ્લાના માર્કેટ યાર્ડોને હડતાળ અને લડતમાં જાડવાના ચક્રો ગતિમાન કરાયા છે.
આ માટે આગામી દિવસોમાં મહત્વની બેઠકોનો દોર યોજાય તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડના આગેવાનોએ ગઇકાલે જ સ્પષ્ટ કરી દીધુ હતું કે, છેલ્લા છ મહિનાથી અમે ગુજરાતમાં ભાવાન્તર યોજના લાગુ કરવા માટે લડી રહ્યાં છે. જો આ મુદ્દે સરકાર અમારી સાથે મિટિંગ નહીં કરે તો આવનાર સમયમાં ગુજરાતમાં ખેડૂત આંદોલન થશે. દોઢ મહિના પહેલા મુખ્યપ્રધાન અને વડાપ્રધાનને પત્ર લખીને રજૂઆત કરી હતી પણ તેનો હજુ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો.
તેમજ સરકારને છ દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું તેનો પણ કોઈ જવાબ નથી મળ્યો. જ્યાં સુધી સરકાર અમારી સાથે મિટિંગ નહી કરે અમે માર્કેટયાર્ડ બંધ રાખીશું. જો સરકાર અમારી સાથે મંત્રણા નહી કરે તો આવનાર સમયમાં ખેડૂત સંગઠનને ભેગા કરી ખેડૂત આંદોલન કરીશું અને સમગ્ર ગુજરાત પણ બંધ કરાવીશુ, તેમજ ગુજરાતના તમામ માર્કેટયાર્ડને અમારી સાથે આવરી લેશુ. ભાવાન્તર યોજના જે દેશના અન્ય રાજ્યોમાં લાગુ થઈ ગઈ છે તે વહેલી તકે ગુજરાતમાં લાવે અને તેનો અસરકારક અમલ કરે તેવી માંગણી પણ તેમણે કરી છે.