બજારમાં કડાકો : સેંસેક્સમાં ૨૧૬ પોઇન્ટનો ઘટાડો થયો

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુંબઇ: શેરબજારમાં આજે સવારે કારોબારની શરૂઆત થયા બાદ ભારે અફડાતફડી રહી હતી. કારોબારની શરૂઆત થતાની સાથેજ સેંસેક્સ ૨૧૫ પોઇન્ટ ઘટીને૩૮૧૭૫ની નીચી સપાટી પર પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટી ૮૦ પોઇન્ટ ઘટીને ૧૧૫૦૮ની નીચી સપાટી પર રહ્યો હતો. બીજી બાજુ ડોલરની સામે રૂપિયો વધારે ઘગડીને ૭૨.૨૭ની નીચી સપાટી પર પહોંચી ગયો હતો. દિવસ દરમિયાન બજારમાં મંદી રહેવાના સંકેત દેખાઇ રહ્યા છે.  બજારની દિશા નક્કી કરવામાં જે પરિબળોની અસર થનાર છે તેમાં વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો અને ટ્રેડવોરને લઇને પ્રવર્તી રહેલી ચિંતાની અસર પણ જાવા મળી રહી છે. મોટા પરિબળોના લીધે બજારમાં ઉદાસીન માહોલ છવાયેલો છે.

આઈઆઈપીના આંકડા, ફુગાવાના આંકડા હવે જારી કરવામાં આવનાર છે. ઓગસ્ટ મહિના માટે ભારતના કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવાના આંકડા બુધવારના દિવસે જારી કરવામાં આવનાર છે. રિટેલ ફુગાવા અથવા તો સીપીઆઈના આંકડા બજારની દિશા નક્કી કરી શકે છે. ચીજવસ્તુઓ અને સર્વિસની કિંમતમાં ફેરફાર સીપીઆઈ ફુગાવાના આંકડામાં જોવા મળે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ આંકડા ઉપર આધારિત રહીને ઓક્ટોબર મહિનામાં તેની નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરશે. સાથે સાથે તેમાં રેપોરેટમાં કોઇ ફેરફાર કરવા જાઇએ કે કેમ તે અંગે નિર્ણય કરવામાં આવશે. રિટેલ ફુગાવો જુલાઈ મહિનામાં નવ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો.

જૂન મહિનામાં રિટેલ ફુગાવો ૪.૫૨ ટકા ઘટીને જુલાઈ મહિનામાં ૪.૧૭ ટકા થઇ ગયો હતો. જ્યારે ખાદ્યાન્ન ફુગાવો ૨.૯૧ ટકાથી ઘટીને ૧.૩૭ ટકા સુધી થઇ ગયો છે. આવી જ રીતે ઓગસ્ટ મહિના માટે હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવો શુક્રવારના દિવસે જારી કરવામાં આવનાર છે. જુન મહિનામાં આ ફુગાવો ૫.૭૭ ટકા હતો જ્યારે જુલાઈ મહિનામાં તે ૫.૦૯ ટકા હતો. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન માટેના ડેટા જે જુલાઈ મહિના માટેના છે તે બુધવારના દિવસે જારી કરાશે. જૂન મહિનામાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો આંકડો પાંચ મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. ચીનમાં કન્ઝ્યુમર પ્રાઇઝ ફુગાવાના ડેટા આવતીકાલે જારી કરવામાં આવનાર છે જ્યારે દેશના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટા શુક્રવારે જારી થશે. યુએસ કોર સીપીઆઈ ડેટા અને ઓગસ્ટના સેલ્સ ડેટાના આંકડા ગુરુવાર અને શુક્રવારના દિવસે જારી કરાશે.

Share This Article