ઓલિમ્પિકના ગોલ્ડ મેડાલિસ્ટ કેરોલિના મારિન અને એશિયન જુનિયર ચેમ્પિયન લક્ષ્ય સેને મળીને પૂણે 7એસ સામે સંઘર્ષ કરી રહેલા દિલ્હી ડેશર્સને 5-0થી હરાવીને વોડાફોન પ્રિમિયર બેડમિન્ટન લિગની સિઝન 4માં સેમિફાયનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખી હતી. અત્રેના એસઈ ટ્રાન્સસ્ટેડિયાના અરેના પર 2012ના ઓલિમ્પિક સિલ્વર મેડાલિસ્ટ મિથિઆસ બોયેએ પણ જોરદાર વળતી લડત આપતા તેની ટીમ માટે મેન્સ ડબલ્સમાં ચિરાગ શેટ્ટી સાથે મળીનેમહત્વનો વિજય મેળવ્યો હતો.
આ સાથે પૂણે છ મેચમાં પાંચ વિજય અને 17 પોઈન્ટ સાથે ત્રીજો ક્રમ મેળવ્યો હતો. જોકે, અવધ વોરિયર્સ ચોથા અને બેંગલુરૂ રેપટોર્સ પાંચમા ક્રમે છે અને પૂણે કરતા બે મેચ ઓછી રમ્યા છે ત્યારે વોરિયર્સ અને રેપટોર્સની મેચ પર ટીમના સેમિફાયનલ પ્રવેશનો મદાર રહેશે.
વિશ્વના નંબર 32 એવજેનિયા કોસેત્સકાયાનો મારિન સામે પરાજય થયો હતો. તેને પૂણેની સુકાનીએ માત્ર 20 મિનિટમાં હાર આપી હતી. મારિને ટાઈ 15-5, 15-6થી જીતી લીધી હતી.
એશિયન જુનિયર ચેમ્પિયન લક્ષ્ય સેને તેના મોટા ભાઈ ચિરાગ સેનને 15-12, 15-11થી પરાજય આપ્યો હતો. એક સમયે ચિરાગે લક્ષ્યને લડત આપવા પ્રયાસ કર્યો પરંતુ તેણે કરેલી ભૂલ તેને ભારે પડી હતી.
પૂણેએ દિલ્હીની ટ્રમ્પ પેર મનીપોંગ જોંગજિત અને ચાય બિયાઓની જોડી સામે મેથિઆસ બોય અને ચિરાગ શેટ્ટીને ઊતાર્યા હતા. તેઓ વચ્ચેની મેચમાં સારો સંઘર્ષ જોવા મળ્યો હતો.
નિર્ણાયક ગેમમાં મેથિઆસ અને ચિરાગે જોરદાર મુકાબલામાં 15-13થી વિજય મેળવ્યો અને ટાઈ 9-15, 15-10, 15-13થી વિજય મેળવ્યો હતો.
અગાઉ મિક્સ ડબલ્સમાં વાલ્દીમિર ઈવાનોવ અને લિને કજાઅર્સફેલડટએ પૂણેને દિલ્હીના મનીપોંગ જોંગજિત અને એવજેનિયા કોસએત્સકાયા સામે સંઘર્ષ બાદ વિજય અપાવ્યો હતો. તેઓએ 15-9, 14-15, 15-8થી વિજ મેળવ્યો હતો.
પૂર્વ વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડાલિસ્ટ ટોમી સુગિયાર્ટોએ સિઝનમાં સંઘર્ષ છતાં આ ટાઈમાં પૂણેના બ્રાયસ લેવેરડેઝ સામે 15-7, 15-16થી વિજય મેળવ્યો હતો.