પુણે : મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનને લઇને આજે ફરી એકવાર હિંસા ભડકી ઉઠી હતી. પુણેમાં અનામતને લઇને જારી આંદોલન હિંસક બન્યા બાદ આગ અને તોડફોડની ઘટનાઓ બની હતી જેના પરિણામ સ્વરુપે થોડાક સમય માટે કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી હતી.
જો કે, સ્થિતિ સુધારો થતાં કલમ ૧૪૪ હટાવી દેવામાં આવી હતી. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો અને પાર્ટીના નેતાઓએ પત્ર લખીને રાજ્યપાલ વિદ્યાસાગર રાવ પાસેથી મામલામાં દરમિયાનગીરીની માંગ કરી છે. ઘટનામાં ૧૬ ગાડીઓને આગ ચાંપી દેવામાં આવી હતી. ૨૫થી વધુ ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી. પુણેમાં મરાઠા આંદોલનને લઇને દેખાવકારો હિંસા ઉપર ઉતરી આવ્યા હતા. પુણે-નાસિક હાઈવે પર રાજ્યપરિવહન વિભાગ અને પુણે નગરપાલિકાની ૨૫ બસોને આગ ચાંપી દેવામાં આવી હતી. ટાયરો પણ સળગાવવામાં આવ્યા હતા. ચક્કાજામની સ્થિતિ સર્જવામાં આવી હતી. દેખાવકારોએ જોરદાર પથ્થરમારો કર્યો હતો. આ હિંસામાં મરાઠા ક્રાંતિ મોરચાના લોકો હોવાનું જાણવા મળી રહ્યું છે.
થોડાક સમય માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. આના પરિણામ સ્વરુપે ચારથી વધારે લોકોના સંગઠન ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યો અને સિનિયર નેતાઓએ રાજ્યપાલ વિદ્યાસાગર રાવ સાથે વાતચીત કરીને તેમને પત્ર પણ લખ્યો છે. મરાઠાઓને ૧૬ ટકા અનામત આપવાની પ્રક્રિયાને ઝડપી કરવા માટે દબાણ લાવવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં આ મામલો પણ ભાજપ સરકાર માટે મુશ્કેલી સર્જી શકે છે. આજે કલાકો સુધી કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી હતી જેથી તંગદિલી રહી હતી.