નવીદિલ્હી : પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને ભારતીય હવાઈ દળે આજે જોરદાર કાર્યવાહી કરી હતી. ત્રાસવાદીઓને યોગ્ય બોધપાઠ ભણાવવામાં આવ્યો હતો. હુમલાની ફિરાકમાં રહેલા આતંકવાદીઓને ફરી એકવાર ઉંઘતા ઝડપી લેવામાં આવ્યા હતા અને મોટા મોટા દાવા કરી રહેલા આતંકવાદીઓને તેમની ઓકાત બતાવી દેવામાં આવી હતી. જૈશના લીડર મસુદ અઝહરને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી તરીકે જાહેર કરવામાં આવ્યો હોવા છતાં પાકિસ્તાન તરફથી કોઇ કાર્યવાહી થઇ રહી ન હતી અને તેના દ્વારા સેંકડો જેહાદીઓને તૈયાર કરવામાં આવી રહ્યા હતા. આખરે ભારતે હવાઈ હુમલાઓ મારફતે મોટી સંખ્યામાં આતંકવાદીઓનો ખાત્મો કર્યો હતો. જૈશના આલ્ફા-૩ કન્ટ્રોલ રુમને પણ સંપૂર્ણપણે ફૂંકી મારવામાં આવ્યું છે.
બાલાકોટ અને ચકોટીમાં જૈશના અનેક અડ્ડાઓ આવેલા છે. પાકિસ્તાને સાવચેતી માટે ત્રાસવાદીઓને અન્યત્ર ખસેડ્યા હતા પરંતુ ભારતે વધુ આક્રમક રણનીતિ અપનાવીને પાકિસ્તાનની ગણતરી કરતા પણ અલગ ગણતરી કરીને ત્રાસવાદીઓ ઉપર હુમલા કર્યા હતા. વહેલી પરોઢે ઓપરેશનની શરૂઆત થઇ હતી અને ભારતીય મિરાજ વિમાનો સફળરીતે હુમલો કરીને પરત ફર્યા હતા. ૧૨ દિવસના ગાળા બાદ ભારતીય વાયુ સેના દ્વારા પોકમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.
અપગ્રેડ કરવામાં આવેલા વિમાનોમાં તમામ સુવિધાઓ રાખવામાં આવી હતી. બાલાકોટ, મુઝફ્ફરાબાદ અને ચિકોટીમાં આ હુમલાઓ કરવામાં આવ્યા હતા અને તમામ આતંકવાદીઓનો ખાત્મો બોલી ગયો હતો. આતંકી યુસુફ અઝહરનું પણ મોત થયું છે. મસુદ અઝહરના સાળા યુસુફ અઝહર અને તેના પરિવારના અન્ય સભ્યોને મોતને ઘાટ ઉતારાયા હતા. યુસુફ અઝહર ઉર્ફે મોહમ્મદ સલીમ ૧૯૯૯માં ઇન્ડિયન એરલાઇન્સના વિમાનનું અપહરણ કરવામાં સામેલ હતો. તે વખતે વિમાનને અપહરણ કરીને કંધાર લઇ જવાયું હતું. તે વખતે વિમાનમાં રહેલા યાત્રીઓના બદલામાં ભારત સરકારને ૨૦૦૨માં ત્રણ ત્રાસવાદીઓને છોડવાની ફરજ પડી હતી જેમાં મસુદ અઝહરનો સમાવેશ થાય છે. મસુદ અઝહરના નામનો પણ આમા સમાવેશ હતો.