સરકારી આવાસ યોજનામાં મકાન મેળવવાની કારણે રખિયાલમાં અનેક લોકો ૧.૫૧ કરોડની છેતરપિંડીનો ભોગ બન્યા છે. જોકે આરોપીઓએ પોતે કોર્પોરેશનના અધિકારી હોવાની ઓળખ આપીને આવાસ યોજના માટે કોર્પોરેશનના ખોટા એલોટમેન્ટ લેટર અને નોટિસ આપી હતી. જેથી લોકોએ વિશ્વાસ કરીને મકાન મેળવવા પૈસા આપ્યા હતા. જે પૈસા આપ્યા છતાં મકાન ના મળતા રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસ તપાસમાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે અને પોલીસે અત્યારે ૩ આરોપીઓની ધરપકડ કરી છે. રખિયાલ અજિત મિલ ખાતે ચાર માળિયા ગરીબ આવાસ યોજનાના ખાલી મકાનો સસ્તામાં વેચવા માટે મોહમંદ ફૈઝ અને દુર્ગા ગૌસ્વામીએ પોતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી હોવાની ઓળખ આપી હતી. આ પૈસા લઈને સ્થાનિકોને તેની સામે આવાસ યોજનાના મકાનની નોટિસ અને એલોટમેન્ટ લેટર સહિતની પહોંચ પણ આપી હતી.
જોકે આ તમામ પહોંચ નકલી જ હતી. જે મામલે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, કોર્પોરેશનના અધિકારીની ઓળખ આપનાર વ્યક્તિઓ હકીકતમાં કોઈ અધિકારી નથી અને નકલી પહોંચ આપી હતી.
પોલીસે આ મામલે નાઝીયા અંસારી, મોહમ્મદ શરીફ સૈયદ, દુર્ગા ગોસ્વામી અને મુખ્ય આરોપી ફૈઝ શેખની ધરપકડ કરી છે. આરોપીની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, આવાસ યોજનાના મકાનમાં કેટલાક લોકો ગેરકાયદેસર રીતે રહેતા હતા. જેમના ઘર ખાલી કરાવીને આરોપીઓએ આ સમગ્ર છેતરપિંડી કરી હતી. આ મામલે ૨ અલગ અલગ ફરિયાદ કરવામાં આવી છે જે મામલે તપાસ ચાલી રહી છે. મકાન સસ્તામાં આપવાના હોવાની રખિયાલના રહીશોને લાલચ આપી હતી અને મકાન લેનાર પાસેથી ૪-૫ લાખ રૂપિયા લીધા હતા.