દેશની મોટી હોસ્પિટલો પણ પોતાની મેડિકલ કોલેજ ખોલી શકશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો છે. વાસ્તવમાં આ મુદ્દા પર આ બેઠક યોજાઈ હતી, જેમાં દેશભરની લગભગ ૬૨ મોટી હોસ્પિટલોએ ભાગ લીધો હતો. મંત્રાલયે આ પગલું સ્મ્મ્જી સીટોમાં વધારો અને વિદેશમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ઉઠાવ્યું છે. આ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દેશની પ્રતિષ્ઠિત હોસ્પિટલોને મેડિકલ એજ્યુકેશનના ક્ષેત્રમાં આવવા અપીલ કરી હતી.
દેશના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને દેશમાં તબીબી શિક્ષણ માટે વધારાની બેઠકો ઉપલબ્ધ કરાવવાની દિશામાં કેન્દ્ર સરકારે પણ તૈયારીઓ કરી છે. આ સાથે દેશમાં મેડિકલ એજ્યુકેશનને સસ્તું બનાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ખાનગી હોસ્પિટલોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને સ્મ્મ્જી અને અનુસ્નાતક તબીબી અભ્યાસક્રમો શરૂ કરવા તાકીદ કરી છે. આ પગલાનો હેતુ ભારતીય વિદ્યાર્થીઓને મેડિસિનનો અભ્યાસ કરવા વિદેશ જતા રોકવાનો છે.
આરોગ્ય મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે, ખાનગી હોસ્પિટલો દ્વારા આ વર્ષે આશરે ૧,૫૦૦ વધારાની મેડિકલ સીટ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવી અપેક્ષા છે. માંડવિયાએ સોમવારે પત્રકારોને જણાવ્યું હતું કે, હું અંગત રીતે અમારા ડૉક્ટરોને વિદેશને બદલે ભારતમાં તાલીમ આપવાના પક્ષમાં છું. મેં તાજેતરમાં લીલાવતી, અમૃતા હોસ્પિટલ, મેદાંતા, બ્રીચ કેન્ડી અને કોકિલાબેન સહિત ૬૨ ખાનગી હોસ્પિટલો સાથે બેઠક યોજી અને તેમને અંડર ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સ શરૂ કરવા વિનંતી કરી. હું આશા રાખું છું કે, તેમાંથી ઓછામાં ઓછા ૧૫-૨૦ આ વર્ષે કેટલીક બેઠકો પર શરૂ થશે. મંત્રાલયે જણાવ્યું કે, કોકિલા બેન, સત્ય સાઈ, જસલોક, બ્રિજ કેન્ડી, અપોલો જેવી હોસ્પિટલોએ બેઠકમાં ભાગ લીધો હતો. જે હોસ્પિટલો મેડિકલ એજ્યુકેશનના ક્ષેત્રમાં રસ દાખવશે અને મેડિકલ કોલેજ ખોલશે, તેમને જમીન ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમને મુશ્કેલ-જટીલ પ્રક્રિયા અથવા લાંબા પેપર વર્ક જેવા નિયમોમાં છૂટછાટ આપવામાં આવશે.
આરોગ્ય મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હોસ્પિટલોને કોઈપણ કાર્યક્રમ શરૂ કરતી વખતે પોષણક્ષમતાને ધ્યાનમાં રાખવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે સરકાર દરેક બાબત પર નજર રાખશે અને ગુણવત્તા જાળવવા માટે હલકી ગુણવત્તાવાળી સંસ્થાઓને ખતમ કરવા માટે કડક પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમણે ધ્યાન દોર્યું કે, કેટલીક ખાનગી હોસ્પિટલોમાં ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, પરંતુ તબીબી શિક્ષણમાં તેમની હાજરી ખૂબ જ મર્યાદિત છે. અમે તેને બદલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કેટલાક વર્ષોથી તબીબી શિક્ષણ આપવા માટે ખાનગી હોસ્પિટલોને લાવવી એ નીતિની પ્રાથમિકતા છે. પરંતુ યુક્રેન પર રશિયાના આક્રમણને પગલે આ બાબતની તાકીદ વધુ મજબૂત બની છે.