ઈન્ટરનેશનલ શુટિંગ સ્પોટ્સ ફેડરેશન (આઈએસએસએફ) દ્વારા આયોજિત વર્લ્ડકપમાં હરીયાણાની મનુ ભાકરે ૧૦ મીટર એર પિસ્ટોલ (મહિલા) વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ શુટિંગ વર્લ્ડકપમાં ભારતના કુલ મેડલની સંખ્યા ચાર થઈ છે, જેમાં બે ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ૧૬ વર્ષની મનુ ભાકર હરીયાણાના ઝજ્જરની રહેવાસી છે. તેણે ફાઈનલમાં ૨૩૭.૫ પોઈન્ટ મેળવ્યા હતા.
આ સ્પર્ધામાં મેક્સિકોની અલેજાંડ્રા જવાલા વજાક્વેજને સિલ્વર મેડલ જ્યારે સેલીન ગોબવિલને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. ભારતની યશ્વિની સિંહ આ સ્પર્ધામાં ચોથા ક્રમાંકે રહી હતી. આ પહેલા શનિવારે રાત્રે ભારતના સહજ રીઝવીએ ૧૦ મીટર એર પિસ્ટોલ (પુરુષ) વર્ગમાં વર્લ્ડ રેકોર્ડ બનાવીને ગોલ્ડ જીત્યો હતો. જ્યારે ૧૭ વર્ષીય મેહુલી ઘોસ અને જીતુ રાયે ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ૧૨ દિવસ સુધી ચાલનાર આ ટૂર્નામેન્ટમાં કુલ ૪૦૪ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. ભારતે પોતાના ૩૩ ખેલાડીઓની ટીમને સ્પર્ધામાં ભાગ લેવા માટે મોકલી છે.