અમદાવાદ : ભારતની અગ્રણી ફ્રૂટ ડ્રિન્ક કંપની મનપસંદ બેવરેજીસ લિમિટેડ દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ના અંતિમ ત્રિમાસિક ગાળામાં વડોદરામાં કંપનીનો ત્રીજા પ્લાન્ટ કાર્યરત કર્યા બાદ હવે કંપની વારાણસીમાં તેના નવા પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન કાર્ય અને શ્રી સીટીમાં નિર્માણકાર્ય પૂર્ણ થવાના આરે છે. જયારે હવે મનપસંદ બેવરેજીસે તેનો ઓડિશામાં ખુર્દામાં ૪થો નવો પ્લાન્ટ સ્થાપવાની દિશામાં પણ મહત્વની કવાયત હાથ ધરી છે. આ સાથે જ તા.૩૦ જૂન, ૨૦૧૮નાં રોજ પૂર્ણ થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની અગ્રણી ફ્રૂટ ડ્રિન્ક કંપની મનપસંદ બેવરેજીસ લિમિટેડનો ચોખ્ખો નફો ૧.૩૨ ટકા વધીને રૂ. ૩૬.૩૮ કરોડ થયો છે, જે ગયા વર્ષનાં સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. ૩૫.૯૧ કરોડ હતો.
આમ, મનપસંદે પ્રથમ કવાર્ટરમાં તમામ પડકારો વચ્ચે સારો દેખાવ કર્યો હતો એમ મનપસંદ બેવરેજીસ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ધીરેન્દ્ર સિંહે જણાવ્યું હતું.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બેવરેજીસની નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯નાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં કુલ આવક રૂ. ૩૪૦.૦૭ કરોડ નોંધાઇ છે, જે અગાઉનાં નાણાકીય વર્ષનાં સમાન ત્રિમાસિક ગાળાની કુલ રૂ. ૩૧૧.૩૦ કરોડની સરખામણીમાં ૯.૨૪ ટકા વધારે છે. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯નાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં શેરદીઠ આવક (ઇપીએસ) ૧.૨૯ ટકા વધીને શેરદીઠ રૂ. ૩.૧૮ થઈ હતી. અન્ય આવકોમાં ઘટાડો તથા ઘસારામાં વધારા (નોન-કેશ આઇટમ)ને કારણે ચોખ્ખા નફામાં વધારાની તુલના આવકોમાં વધારા સાથે કરવી અનુરૂપ નથી. કંપની ત્રિમાસિક ધોરણે સ્થિર પ્રદર્શન કરી રહી છે અને આશાસ્પદ રીતે આગળ વધી રહી છે.
મનપસંદ બેવરેજીસ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ધીરેન્દ્ર સિંહે વધુમાં ઉમેર્યું હતું કે, જણાવ્યું હતું કે, જૂન મહિનામાં અમારા કારોબારને અસર થઇ હતી પરંતુ તમામ પડકાર વચ્ચે પણ અમે પ્રમાણમાં સારી કામગીરી બજાવી છે તેમજ વિસ્તરણ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ ઉપર અમારું ધ્યાન કેન્દ્રિત રાખ્યું છે. કામગીરી હવે ફરીથી સામાન્ય થઇ ગઇ છે અને અમે અમારી વૃદ્ધિની યોજનાઓ બાબતે પૂર્ણ વિશ્વાસ ધરાવીએ છીએ. મનપસંદ આગામી નાણાકીય વર્ષ બાબતે વિશ્વાસથી ભરપૂર છે. અમે ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ્સ (ક્યુએસઆર), ફૂડ ચેઇન અને રિટેઇલર્સ મારફતે અમારી હાજરી વધારી ઉપભોક્તાઓ વચ્ચે અમારા ઉત્પાદનો માટે બ્રાન્ડની મજબૂત ઓળખ વિકસાવીશું. કંપની આગામી દિવસોમાં આ સમન્વયકારક વૃદ્ધિનો અભિગમ પણ અપનાવશે. અમારા પ્રયાસોમાં પ્રોડક્ટ ઇનોવેશન અને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કનું વિસ્તરણ કેન્દ્ર સ્થાને રહેશે અને તેનાથી અમારા સ્થાનિક અને વૈશ્વિક હરિફો વચ્ચે મુખ્ય તફાવત પેદા કરી શકાશે.
મનપસંદને મિલ્ક આધારિત ડ્રિન્ક, ફ્રૂટ આધારિત સુગર ફ્રી ડ્રિન્ક, ગ્લુકોઝ ડ્રિન્ક અને પ્રોટિન આધારિત ડ્રિન્ક સહિત નવા પ્રોડક્ટ સેગમેન્ટમાં પ્રવેશ કરવાથી આગામી ત્રણ વર્ષમાં આવકમાં વધારો થવાની અપેક્ષા છે તેમજ સ્થાનિક અને વૈશ્વિક બજારોમાં અમારી વૃદ્ધિની સફરમાં નોંધપાત્ર પ્રોત્સાહન મળશે.