સાતમા દિવસની કથા પર બાપુએ જણાવ્યું કે તુલસીજીએ રામકથાનો મહિમા જે ચોપાઈઓમાં ગાયો એ એક-એક ચોપાઈ લઈને ક્રમમાં આગળ વધી રહ્યા છીએ.એક ચોપાઈ એવું કહે છે કે રામકથાનો કોઈ અંત નથી.રામકથા મુનિબર્જ બખાની…ભવાનીને પણ રામકથા પર વધુને વધુ રૂચિ થવા માંડે છે.રામકથાને કાલિકા સાથે જ સરખાવી શકાય કારણકે કરાલા શબ્દ કાલિકા સાથે બરાબર છે,ત્યાં કૃપાલા કે અન્ય શબ્દ ઉમેરવાનો અધિકાર નથી.માનસમાં એવા ઘણા શબ્દો છે જેનો અર્થ અને વાંચન બંને બાજુથી સરખા થાય.’કાલિકા’ને બંને બાજુથી વાંચીએ,એ જ રીતે એક અન્ય શબ્દ:’બજબ’ અને ‘સરસ’ શબ્દ પણ બંને બાજુએથી સમાન ઉચ્ચાર અને અર્થ આપે છે.
રામરસાયણ ગ્રંથ રસિકબિહારીજી માં રામકથાને નેતિ કહી,જેની કોઈ સીમા નથી એવું એક પદ લખ્યું છે:કોટી શેષ શેષ શેષ પ્રતિ કોટિ શિશ શિશ પ્રતિ મુખ મુખ,મુખ રસના કરોડ, પ્રતિ રસના કોટિ કોટિ ભારતી(સરસ્વતી) અને એવી અનંત સરસ્વતી, અનંત સમય સુધી,અનંત ગુણ ગાય તો પણ રસિકબિહારી કહે છે કે રામકથાનો અંત આવતો નથી.જેના નિર્મળ વિચાર છે એ એવું વિચારશે. રામકથા સુંદર કરતારી;
સંશય બિહગ ઉડાવનહારિ.
બાલકાંડમાંથી સુંદરકાંડમાં જતા ત્યાં પણ એક ચોપાઈમાં ‘રામકથા’ શબ્દ આવે છે.જેનો ઉલ્લેખ થયો.કોઈક ગ્રંથ,કવિતામાં પણ એવું બતાવાયું છે કે રામના નામકરણ સંસ્કાર વખતે શંકર અને વિષ્ણુ પણ આવેલા કારણ કે રામ વિષ્ણુ નથી પણ રામ મહાવિષ્ણુ,પરમવિષ્ણુ છે.રામનો અવતાર સાતમો, કૃષ્ણનો અવતાર આઠમો,બુદ્ધનો નવમો અવતાર અને કલ્કિ દસમો અવતાર ગણાય છે.કોઈ તો કહે છે કે કલ્કિ આવી અને નીકળી પણ ગયા બાપુ એ હસતા હસતા જણાવ્યું કે તિરુચિરાપલ્લીમાં એક કલ્કિનાં મેં દર્શન પણ કરેલા! કોઈ કલ્કિને તો કેન્સર થયું અને ગુજરી ગયા.એ પછી બાપુએ એવું જણાવ્યું કે જે કર્મ કરતાં ડર લાગે એ જ પાપ છે. બાકી પતંજલિના મત મુજબ અકર્મ,વિકર્મ એવા અર્થો છે.
બેરખા વિશે સુંદર વાત કરતા બાપુએ જણાવ્યું કે બેરખાનાં ૧૮ મણકા,કોઈ પોતાની માળા તુલસીની, કાષ્ટકની અલગ-અલગ મણકાઓની માળા બનાવે છે.બેરખા વિશે કહેતાં કહ્યું કે બેરખામાં જે મેરુ છે એ સદગુરુ છે.બેરખો સદગુરુ વગર શરૂ થતો નથી. કારણ એ આદિ અને અનાદિ છે.
ઉમા કહઉં મેં અનુભવ અપના;
સતહરિભજન જગત સબ સપના.
એમ ગુરુ એ સત્ય છે જે આ મણકાનો પહેલો પારો છે જ્યાંથી બેરખો શરુ થાય છે.કઈ આંગળીથી બેરખો ફેરવવો એના વિશે પણ નિયમો હશે,પણ એ નિયમોમાં રહીએ તો ભજન શરૂ જ ન કરી શકીએ! મેરુ પછીનો પહેલો પારો-મણકો એ પ્રેમ છે.પ્રેમથી શરૂ થાય છે.બેરખો ફેરવીએ છીએ તો કોઈ મંત્ર હોવો જોઈએ.બીજો મણકો એ મંત્ર છે.કોઈ પણ મંત્ર હોઈ શકે.ત્રીજો મણકો સૂર્ય છે,અને આવી રીતે ભજન કરીએ એટલે અજવાળા થવા માંડે છે.બેરખો ક્યારેય બેરુખી-ઉદાસ થવા દેતો નથી.ચોથો મણકો અગ્નિ તત્વ છે જે આપણને નહીં પણ આપણા પાપોને બાળે છે.પાંચમો મણકો ચંદ્ર છે.ભજનાનંદીને શીતળતા આપે છે.છઠ્ઠો મણકો મન છે.સાતમો મણકો એ બુદ્ધિ છે.આઠમો મણકો ચિત્ છે અને ક્યારેક ચિત્ ડામાડોળ થાય ત્યારે સદગુરુ રૂપી મેરુ એને અડે છે અને ચિત્ સરળ અને નિર્મળ બને છે. નવમો મણકો અહંકાર છે.પછીનો દશમો મણકો એ શબદ અથવા તો શબ્દ છે અને અગિયારમો મણકો જેનો નાદ કરીએ છીએ એ અવાજ અથવા તો રૂપ છે.બારમો મણકો રસ છે.તેરમો મણકો એ ગંધ,ખૂશ્બૂ,પિરાઇ ગંધ,દેવતાઇ ખુશ્બુ અથવા તો ગંધ છે.
ચૌદમો મણકો એ સ્પર્શ છે .ઘણાબધાં મહાપુરુષોની સમાધિ એ ધૂપની સુગંધ આવે છે એ કોઈ પીરાઈ ખુશ્બુનું પ્રમાણ છે.પંદરમો મણકો-પારો દર્શન છે.દેવતાનું દર્શન,મંત્રના વિશિષ્ટ દેવતાના દર્શન થવા માંડે છે કારણકે પંદર એ પૂર્ણિમા પૂર્ણતા તરફ દોરે છે.સોળમો મણકો અનુભવ છે.અને સત્તરમો સત્ રહ એટલે સતરહ-સત્રહ એવું કહી શકીએ.અઢારમો મણકો કરુણા છે.આમ બેરખો સત્ થી શરૂ થઈ પ્રેમથી આગળ વધી અને કરુણા સુધી પહોંચાડે છે.
કથા પ્રવાહમાં આજે શિવના લગ્નની વાત રસાળ રીતે કરી કથાને વિરામ અપાયો.