લખનૌ : ભાજપ પ્રમુખ અમિત શાહ બાદ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે હવે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને પણ ઉતરાણ કરવાની તક આપી ન હતી જેના પરિણામ સ્વરુપે દેશભરમાં ભારે હોબાળો થઇ ગયો છે. મમતા બેનર્જીની ચારેબાજુ વ્યાપક નિંદા થઇ રહી છે. યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને ઉતરાણ કરવાની મંજુરી ન મળતા સ્થળ ઉપર રેલી યોજી શકાય ન હતી પરંતુ યોગી આદિત્યનાથે લખનૌમાં ફોન ઉપર બેસીને આ રેલીને સંબોધન કર્યું હતું અને મમતા બેનર્જી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. યોગીએ કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી આડેધડ શાસન ચલાવી રહ્યા છે. લોકશાહીની મજાક બનાવી દીધી છે. ભાજપના કાર્યકરો ખુબ જ સફળતાપૂર્વક લડત મમતા બેનર્જીની સરકાર સામે ચલાવી રહ્યા છે. યોગીએ દાવો કર્યો હતો કે, બંગાળ અને દેશના લોકો મમતા બેનર્જીની ગતિવિધિને નિહાળી રહ્યા છે.
બંગાળમાં ચોક્કસપણે ભાજપ સરકાર બનશે તેવો દાવો કરતા યોગીએ કહ્યું હતું કે, આગામી દિવસોમાં ભાજપ કાર્યકરો સાથે સ્થાનિકરીતે મેદાનમાં ચોક્કસપણે ઉતરશે. યોગીએ કાર્યકરોને ખાતરી આપી હતી કે, આવનાર દિવસોમાં ચોક્કસપણે બંગાળ આવશે અને કાર્યકરો સાથે રહીને મમતાને જવાબ આપવામાં આવશે. જા કે, ફોન ઉપર પોતાના સંબોધન દરમિયાન યોગીએ તેજાબી પ્રહારો કર્યા હતા. સાથે સાથે યોગીએ મોદી સરકારની એક પછી એક લોકલક્ષી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો.
યોગીએ એમ પમ ક્હયું હતું કે, મમતા બેનર્જી હવે ભાજપની વધતી જતી લોકપ્રિયતાથી ગભરાઈ ગયા છે જેથી હિંસા ઉપર ઉતરી આવ્યા છે. શનિવારના દિવસે વડાપ્રધાન મોદીના કાર્યક્રમ વેળા પણ બેનરોને લઇને તોડફોડ કરવામાં આવી હતી. આ પહેલા ભાજપ પ્રમુખ અમિત શાહની માલ્દા રેલીને મંજુરી મળી ન હતી. યોગી આદિત્યનાથે સંપૂર્ણ શાંતિ જાળવી રાખવા માટે ભાજપના કાર્યકરોને અપીલ કરી હતી. બીજી બાજુ મુખ્યમંત્રીની ઓફિસ તરફથી જણાવવામાં આવ્યું છે કે, બંગાળ સરકારને રેલીને લઇને વાત કરવામાં આવી ન હતી. કોઇપણ નોટિસ વગર રેલીની મંજુરી ફગાવી દીધી હોવાનો દાવો બીજી બાજુ ભાજપના કાર્યકરો દ્વારા કરાયો છે. સ્તાનિક ભાજપના કાર્યકરો આજે ભારે લાલઘૂમ દેખાયા હતા. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને બંગાળ ભાજપના પ્રદેશ પ્રભારી કૈલાશ વિજય વર્ગીય દ્વારા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સભા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હેલિકોપ્ટર ઉતરાણની મંજુરી ન અપાતા વ્યાપક નિંદા કરી છે. કૈલાશવિજય વર્ગીય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, લોકશાહીમાં પણ કોઇપણ રાજકીય પક્ષની ગતિવિધિઓને રોકવા માટે કોઇને અધિકાર નથી. મમતાના આ કૃત્યની તમામ લોકો નિંદા કરી રહ્યા છે. ત્રણ દિવસથી સભાની મંજુરી માંગવામાં આવી હતી. હેલિકોપ્ટર ઉતરાણની પરવાનગી પણ માંગવાં આવી હતી. સભાની મંજુરી મળી ગઈ હતી. કારણ કે આ રેલવેની જમીન હતી.