૪૦ લાખ લોકોના નામ નહીં હોવાથી મમતા પણ લાલઘૂમઃ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હી આસામમાં જારી નેશનલ રજિસ્ટ્રાર ઓફ સિટિઝનના ફાઈનલ ડ્રાફ્ટ ઉપર રાજકીય ઘમસાણની સ્થિતિ મચી ગઈ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ યાદીમાંથી ૪૦ લાખ લોકોના નામ નહીં હોવાને લઇને કેન્દ્ર સરકાર ઉપર તેજાબી પ્રહારો કર્યા છે.

મમતાએ કહ્યું છે કે, આ સંદર્ભમાં નિષ્પક્ષતા સાથે તપાસ કરવામાં આવે તે જરૂરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહના નિષ્પક્ષતા સાથે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હોવાના મામલે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, કેટલાક સમુદાય અને ભાષા વિષયકના લોકોને બિનજરૂરીરીતે ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. મમતા બેનર્જીએ બાંગ્લા કાર્ડ રમવાનો પ્રયાસ કર્યો હતો.

મમતાએ કહ્યું હતું કે, આધાર કાર્ડ છે, પાસપોર્ટ પણ છે છતાં પણ લિસ્ટમાં લોકોના નામ નથી. સરનેમ જાઇને લોકોના નામ એનઆરસીમાંથી દૂર કરવામાં આવી ચુક્યા છે. સરકાર બળજબરીપૂર્વક લોકોને દેશમાંથી બહાર કાઢવા માટે ઇચ્છુક છે.

મમતાએ કહ્યું હતું કે, સિટિઝન રજિસ્ટરની યાદીથી બંગાળી લોકો પ્રભાવિત થશે. મમતાએ કહ્યું હતું કે જે ૪૦ લાખ લોકોના નામ યાદીમાં નથી તે ક્યાં જશે. સરકાર પાસે તેમના પુનઃવસવાટ માટે કોઇ પ્રોગ્રામ છે કે કેમ. છેલ્લે બંગાળને જ આની કિંમત ચુકવવી પડશે. ભાજપની વોટ પોલિટિક્સ આની પાછળ રહેલી છે. આમા સુધારા કરવામાં આવે તે જરૂરી છે.

મમતાએ કેન્દ્ર સરકાર ઉપર બંગાળીઓ સાથે ભેદભાવ કરવાનો આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે, આસામમાં રહેનાર બાંગ્લાભાષી લોકોને અને ખાસ કરીને બાંગ્લા ભાષા બોલતા આસામમાં રહેનાર લોકોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. આ લોકો રોહિગ્યા નથી પરંતુ આ દેશના છે. તે લોકો પણ ભારતીય છે. મમતાએ કહ્યું હતું કે, આવા સંવેદનશીલ મુદ્દા ઉપર રાજનીતિ કરવી જાઇએ નહીં. કેન્દ્રની નીતિ વિભાજિત કરવાની રહી છે.

Share This Article