કોલકાતાઃ તૃણમૂલ કોંગ્રેસની વાર્ષિક શહીદ દિવસ રેલીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ સરકાર ઉપર આજે તેજાબી પ્રહારો કર્યા હતા. આની સાથે જ તેઓએ આગામી ૧૫મી ઓગસ્ટથી ૨૦૧૯માં યોજાનાર લોકસભા ચૂંટણી માટે તૈયારીની શરૂઆત કરવાની જાહેરાત પણ કરી હતી. શહીદ દિવસ ઉપર મમતા બેનર્જીએ આક્રમક નિવેદન કર્યું હતું અને ભાજપ હટાવો ઝુંબેશની જાહેરાત કરી હતી.
શહીદ દિવસના પ્રસંગે મમતાએ કહ્યું હતું કે ભાજપની સામે તેઓ આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છે. બીજી બાજુ ભાજપને એ વખતે મોટો ફટકો પડ્યો છે જ્યારે વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદ ચંદન મિત્રા ટીએમસીમાં સામેલ થઈ ગયા છે. તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં આજે શહીદ દિવસ મનાવે છે ત્યારે રેલીમાં મમતા બેનર્જીએ આક્રમક પ્રહારો કર્યા હતા.
મમતાએ કહ્યું હતું કે અમે ૧૫મી ઓગસ્ટથી ભાજપ હટાવો દેશ બચાવો કેમ્પેનની શરૂઆત કરીશું. વર્ષ ૨૦૧૯ માટે આ એક મોટા પ્રહાર તરીકે રહેશે. જેમાં બંગાળનો રસ્તો દર્શાવવામાં આવશે. મમતાએ કહ્યું હતું કે લોકસભાની તમામ ૪૨ સીટો તૃણમૂલ કોંગ્રેસ જીતી જશે. તેમણે ઉમેર્યું હતું કે પશ્ચિમ બંગાળ દેશનો બદલો લેશે.
થોડાક દિવસ પહેલા જ મોદીએ પશ્ચિમ બંગાળમાં મિદનાપુર જિલ્લામાં રેલીને સંબોધન કરતા કહ્યું હતું કે ટીએમસીની હાલત કફોડી બનેલી છે. મોદીએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં સિન્ડીકેટ સરકાર ચાલી રહી છે. મોદીએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં પૂજા કરવાની બાબત પણ મુશ્કેલરૂપ બની ગઈ છે. સિન્ડીકેટને નાણા આપ્યા વગર કોઈપણ કામ કરવું મુશ્કેલ બની ગયું છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે માં, માટી અને માનુસની વાત કરનાર લોકોની પાછળ રહેલા અસલી ચહેરાને લોકો જાણી ચુક્યા છે અને યોગ્ય તકની રાહ જાઈ રહ્યા છે. મમતાએ ભાજપ પર પ્રહારો કર્યા હતા.