પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી આજે જે પ્રકારનુ વર્તન કરી રહ્યા છે તેને લઇને દેશના લોકોમાં અનેક પ્રકારના પ્રશ્ન ઉઠી રહ્યા છે. સૌથી વેધક પ્રશ્ન સામાન્ય લોકોને એ છે કે આખરે મમતા બેનર્જી જ્યારે પણ કોઇ તપાસ સંસ્થા બહારથી આવે છે ત્યારે આટલા ભયભીત અને આક્રમક કેમ થઇ જાય છે. સીબીઆઇ ટીમને પુછપરછ કરવાથી કેમ રોકવામાં આવે છે. સીબીઆઇ ટીમ આવે છે ત્યારે તેમની અટકાયત કેમ કરવામાં આવે છે. મમતાએ પ્રથમ વખત આવુ કર્યુ નથી.
વિતેલા વર્ષોમાં જ્યારે ભારતીય સેના પહોંચી ત્યારે પણ મમતા બેનર્જીએ આવો જ હોબાળો મચાવ્યો હતો અને આનો વિરોધ કર્યો હતો. આખરે ભારતીય સેનાના અધિકારીઓને ખુલાસા કરવાની ફરજ પડી હતી. તેમના સાથી પક્ષોના નેતાઓ બંગાળમાં છુટથી પ્રવેશી શકે છે તો ભાજપના નેતાઓને પ્રવેશ કરવાથી કેમ રોકવામાં આવે છે.
મમતા બેનર્જી એવા તો કેવા કામ કરી રહ્યા છે જેમના કારણે કોઇ તપાસ સંસ્થાઓ જ્યારે પણ પ્રવેશ કરે છે અથવા તો સેનાના જવાનો કોઇ તપાસ અર્થે અથવા તો ઓપરેશન અર્થે પહોંચે છે ત્યારે તેનો વિરોધ કરે છે. શુ કેન્દ્ર સરકારનુ આ બંધારણીય અધિકાર નથી કે બંગાળમાં થઇ રહેલી ગતિવિધી પર બ્રેક મુકવામાં આવે. જ્યારે જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય છે તો બંગાળમાં કેમ નહીં. આખરે બંધારણમાં કલમ ૩૫૬ને સામેલ કરવાનો અર્થ શુ છે. જો કેન્દ્ર સરકાર આવી અંધાધુંધીની સ્થિતીમાં મૌન રહે છે તો કલમનો હેતુ શુ છે.